- સુરતમાં મ્યુકોરમાઇકોસીસના નોંધાઈ રહ્યા છે કેસ
- ENT સ્પેશિયાલિસ્ટે કર્યા અત્યાર સુધીમાં 80 ઓપરેશન
- 19 દર્દીઓની આંખ કાઢી નાંખવાની પણ નોબત આવી
સુરત: મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સારવારને કેન્સરની સારવાર જેટલી જ પ્રધાન્યતા આપીને સુરતના ડોક્ટરો કામ કરી રહ્યા છે. ENT સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંદીપ પટેલ છેલ્લા દોઢ મહિનામાં મ્યુકોરમાઇકોસીસના 80થી વધુ દર્દીઓના સાઇનસમાંથી ફંગસ નિકાળી ચૂક્યાં છે, એટલું જ નહીં ફંગસ આગળ સુધી પહોંચતા તેમને 19 જેટલા દર્દીઓની આંખ પણ કાઢવી પડી હતી.
સુરતમાં બ્લેક ફંગસનો કહેર, ખાનગી હોસ્પિટલના તબીબે 80 દર્દીઓના સાયનસમાંથી ફંગસ કાઢીને નવજીવન આપ્યું અનેકવાર હાડકાઓ પણ નજરમાં આવે છે
સુરતમાં સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ બંનેમાં આ રોગથી પીડિત દર્દીઓની સારવાર થઈ રહી છે. ડૉ. સંદીપ પટેલે છેલ્લા દોઢ મહિનામાં 80થી વધુ દર્દીઓના સાયનસમાંથી સંપૂર્ણ રીતે ફંગસ કાઢી છે. એટલે એક દિવસમાં બે જેટલા દર્દીઓ તેમની પાસે સાયનસમાંથી ફંગસ કાઢવવા માટે આવતા હતા. નાકમાંથી આ રોગ સાયનસમાં જાય છે. ડૉ. પટેલના જણાવ્યા પ્રમાણે, ફંગસની સર્જરી દરમિયાન અનેકવાર દર્દીઓના હાડકાઓ પણ નજરે આવે છે. દર્દીઓને બે મહિના સુધી ખૂબ જ કાળજી લેવાની જરૂર હોય છે. કારણ કે સાયનસ સાફ કરવાના કારણે તેની અંદર બે મહિના સુધી પોપડા જામી જતા હોય છે. જો સમયસર સાઇનસમાંથી ફંગસ કાઢી લેવામાં આવે તો આંખને અસર થતી નથી.
19 દર્દીઓની આંખ કાઢવાની નોબત સર્જાઇ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 80થી વધુ દર્દીઓના સાયનસમાંથી ફંગસ કાઢ્યા છે. દોઢ મહિનામાં 125થી વધુ દર્દીઓ આ રોગની ફરિયાદ સાથે તેમની પાસે આવ્યા હતા. જેમાંથી 19 દર્દીઓની આંખ કાઢવાની નોબત સર્જાઇ હતી. જો લોકો સમયસર સારવાર માટે ડોક્ટર પાસે આવે તો ડોક્ટર આ રોગ તેમની આંખ સુધી પહોંચવા દેશે નહીં. ડોક્ટરો માટે આ એક મોટી સમસ્યા છે કે, તેમના દર્દીની આંખ કાઢવી પડતી હોય છે..