- 41 ટીમોએ પાંચ દિવસના સર્વેની કામગીરી પૂર્ણ કરી
- 3,375 હેક્ટરના ડાંગર પાકમાં સૌથી વધુ નુકસાન
- 779 હેક્ટરમાં કેળનો પાક નુકસાનમાં બીજા નંબરે
સુરત:બારડોલીમાં ‘તૌકતે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડૂતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય સહાય સત્વરે મળી રહે તે માટે જિલ્લામાં 41 ટીમો બનાવીને તાબડતોડ પાંચ દિવસમાં નુકસાન સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
41 ટીમોએ પાંચ દિવસના સર્વેની કામગીરી પૂર્ણ કરી આ પણ વાંચો: તૌકતેની તારાજી, ગીરની શાન સમી કેસર કેરી ફેરવાઈ રહી છે કચરાના ઢગમાં
10 તાલુકાઓના 757 ગામોમાં નુકસાન
જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી.ગામીતે જણાવ્યું કે, સુરત જિલ્લામાં ડાંગર, કેળ, પપૈયા, મગ, તલ, આંબા અને શાકભાજીના પાકોમાં થયેલા નુકસાન સંદર્ભે 15,224 હેક્ટર અસરગ્રસ્ત વાવેતર વિસ્તારની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લાના સુરત સિટી તાલુકા સહિત 10 તાલુકાઓના 757 ગામોમાં 33 ટકા લેખે 5,826 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે. જે પૈકી 4,185 ખેતીવાડી તથા 1,641 હેક્ટર બાગાયતી વિસ્તાર મળી 5,826 હેક્ટર વિસ્તારમાં 33 ટકા લેખે નુકસાનગ્રસ્ત થયા છે.
સૌથી વધુ નુકસાન ઓલપાડ તાલુકામાં
સમગ્ર જિલ્લાની 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હેક્ટર વિસ્તારની વિગતો જોઈએ તો, બારડોલી તાલુકામાં 86 ગામોના 404 ખેડૂતોની 279 હેક્ટર, ચોર્યાસીમાં 29 ગામોના 289 ખેડૂતોની 298 હેક્ટર વિસ્તાર, કામરેજ તાલુકાના 59 ગામોના 1,167 ખેડૂતોની 757 હેક્ટર, મહુવા તાલુકામાં 69 ગામોની 762 ખેડૂતોની 405 હેક્ટર, માંડવી તાલુકામાં 133 ગામોના 769 ખેડૂતોની 408 હેક્ટર, માંગરોળના 92 ગામોની 550 ખેડૂતોની 489 હેક્ટર, ઓલપાડ તાલુકાની 99 ગામોના 2,819 ખેડૂતોની 2,764 હેક્ટર, પલસાણાના 46 ગામોના 200 ખેડૂતોની 244 હેક્ટર, ઉમરપાડા તાલુકાના 63 ગામોના ચાર ખેડુતોની 2.2 હેક્ટર તથા સુરત સિટી વિસ્તારમાં 81 ગામોના 180 ખેડૂતોની 177 હેક્ટર જેટલા વિસ્તારોમાં નુકસાન થયું છે.
આ પણ વાંચો:સૌરાષ્ટ્રમાં કેરીનો 80ટકા પાક બગડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા
ડાંગર અને કેળના પાકને નુકસાન વધુ
જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી.ગામીતે વધુમાં 33 ટકા લેખે નુકસાનગ્રસ્ત ખેતીપાકોની માહિતી આપતા જણાવ્યું કે, 3,357 હેક્ટર ડાંગર, 425 હેક્ટર મગ, 338 હેક્ટર તલ, 31 હેક્ટર મગફળી, 05 હેક્ટર અડદ, 01 હેક્ટર જુવાર, 04 હેક્ટર બાજરી અને મકાઈના પાકોમાં નુકસાન થયું છે.
05 દિવસમાં પુરી કરી સર્વ કામગીરી
નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કેળ, પપૈયાં, શાકભાજી અને આંબાના 7,031 અસરગ્રસ્ત વિસ્તારોમાં 33 ટકા લેખે 1,641 હેક્ટર વિસ્તારના 1,779 ખેડૂતોને નુકસાન થયું છે. વિગતે જોઈએ તો, કેળમાં 779 હેક્ટર, પપૈયામાં 29.70 હેક્ટર, શાકભાજીમાં 420 હેક્ટર, આંબામાં 411 હેક્ટર વિસ્તારમાં નુકસાનગ્રસ્ત થયા છે. ખેડૂતોને સત્વરે વળતર મળી રહે તે માટે બાગાયત વિભાગની ટીમો બનાવીને પાંચ દિવસના ટુંકાગાળામાં નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે.