- ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાયો
- ધુળોટી રમાવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો
- વેપારીઓનો 30થી 40 ટકા જ માલ વેચાયો
સુરત: સુરતના ડબગરવાડ કે જ્યાં વેપારીઓ સીઝનલ વસ્તુઓના હોલસેલ વેપારી છે તેઓ આ વખતે સંકટમાં મૂકાયા છે. સુરતના તમામ હોલસેલના વેપારીઓએ સ્ટોકમાં લાખો રૂપિયાના કલર અને પિચકારી અન્ય વેપારીઓને વેચવા માટે રાખી મૂક્યા હતા. તેમને આશા હતી કે આ વર્ષે લોકો ધુળેટીના પર્વ પર સારી ખરીદી કરશે. ગત વર્ષે પણ કોરોનાના કારણે અને લોકડાઉનથી કોઈપણ પ્રકારના તહેવારની ઉજવણી ન થતાં હોલસેલના વેપારીઓને આર્થિક નુકસાન થયું હતુ. આ વર્ષે રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે ધુળેટી રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે હોલસેલના વેપારીઓની હાલત કફોડી બની છે. એક તરફ લાખો રૂપિયાના માલ ગોડાઉનમાં છે ત્યારે બીજી તરફ આ માલ ખરીદવા વાળા છૂટક વેપારી ગાઈડલાઈનના કારણે આવી રહ્યા નથી.
20 વર્ષમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ
સુરતના ડબગરવાડમાં છેલ્લા 20 વર્ષથી વેપાર સાથે સંકળાયેલા હોલસેલના વેપારી પ્રભુતભાઈએ જણાવ્યું હતું કે 20 વર્ષમાં પ્રથમ વખત આવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં માલ સ્ટોકમાં પડ્યો છે પરંતુ ખરીદનાર કોઈ નથી. લોકોને લોકડાઉન લાગવાનો ભય છે, જેના કારણે લોકો ખરીદી કરવા આવી રહ્યાં નથી. અત્યાર સુધી માત્ર 30થી 40 ટકા જેટલા પિચકારી અને કલરનો માલ વેચાયો છે. રોજ ગાઈડલાઇન્સ અને નિયમ બદલાતા હોય છે જેની અસરથી તેમનો વેપાર ઠપ્પ થઇ ગયો છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર