સુરત: જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં સળિયા ચોરી કરવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ પ્રકરણમાં કામરેજ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપદાન ગંભીરદાન ગઢવી, કોન્સ્ટેબલ અલ્પેશ મોતીભાઈ અને કોન્સ્ટેબલ જયેશ જયંતિદાસે આ ગુનામાં સંડોવાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી તેની પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ માગી હોવાના આક્ષેપ થયા હતા. જેથી ACBએ અંદાજે 10 દિવસ અગાઉ આ અંગે છટકું ગોઠવ્યું હતું.
કામરેજના 3 પોલીસ કર્મચારીઓે મોટો તોડ કરવાનો પ્રયાસ ભારે પડ્યો - સુરત ACB
સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં સળિયા ચોરી કરવા બાબતે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ સ્ટેશનના એક જમાદાર અને 2 પોલીસ કર્મચારીઓ 1 આરોપીને ઊચકી લાવ્યા હતા. જેને 3 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી 10 લાખ રૂપિયાની લાંચ માગી હોવાના આક્ષેપ થયા હતા. જે પ્રકરણમાં ACBએ કામરેજ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની માંગણી કરી છે. જેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જો કે, જે ત્રણ કર્મચારી પર આ આક્ષેપ કરવામાં આવ્યો છે, તે કર્મચારીઓની બલદી સુરત જિલ્લા હેડક્વાટર ખાતે કરી દેવામાં આવી છે.
કામરેજના 3 પોલીસ કર્મચારીઓે મોટો તોડ કરવાનો પ્રયાસ ભારે પડ્યો
આ ટ્રેપ અંગે કીમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીને ગંધ આવી ગઈ હતી. જેથી તેમણે કામરેજ પોલીસ કર્મચારીઓને જાણ કરી દીધી હતી. જેથી ACBની ટ્રેપ અસફળ રહી હતી. જો કે, આ પ્રકરણમાં સુરત ACBએ કામરેજ પોલીસ સ્ટેશનમાંથી CCTV ફૂટેજ માંગતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ કેટલાક અધિકારીઓ પણ આ પ્રકરણમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.