- પોલીસે મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો
- સેલવાસ પોલીસે 15 લાખ રૂપિયાના 103 મોબાઈલ ફોન જપ્ત કર્યા
- પોલીસે મોબાઈલ ફોન ચોરી કરનારા 7 આરોપીઓની ધરપકડ કરી
- અલગ અલગ 5 રાજ્યમાંથી મોબાઈલ જપ્ત કર્યા
સેલવાસ: દાદરા નગર હવેલી પોલીસે આંતરરાજ્ય ટોળકી દ્વારા કરવામા આવતી મોબાઇલ ચોરીના સાત આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 103 મોબાઇલ જપ્ત કર્યા છે. જેની અંદાજીત કિંમત 15 લાખ રૂપિયા હોવાનું સેલવાસ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું. દાદરા નગર હવેલીના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસવડા હરેશ્વર સ્વામીની અઘ્યક્ષતામા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મોબાઈલ સ્નેચીંગના આરોપીને ઝડપી પાડી એમની પાસેથી મોબાઈલ કબ્જે કરી તમામ મોબાઈલ તેમના માલિકોને સુપ્રત કરવામા આવ્યા હતા. આ અંગે પોલીસવડા હરેશ્વર સ્વામીએ જણાવ્યુ હતું કે, તેમણે એક મોબાઈલ ટ્રેકર નામની ટીમ બનાવી આ સફળતા મેળવી છે.
આ પણ વાંચોઃ મોંઘીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ માટે લૂંટ કરનારો આરોપી ઝડપાયો
ફરિયાદ બાદ તમામ મોબાઈલ કબ્જે લીધા
સેલવાસમાં છેલ્લા ઘણાં સમયથી મોબાઈલ સ્નેચિંગ, મોબાઈલ ચોરીની ફરિયાદ આવતી હતી. જેને ધ્યાને રાખી આ ગ્રૂપ બનાવી જેટલી મોબાઈલ ચોરીની ફરિયાદ છે તે તમામ મોબાઈલને સર્વેલન્સમાં મુક્યા હતાં. જેને આધારે તેમના લોકેશન ટ્રેક કરતા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારમાં આ તમામ ફોન વેચાયા બાદ ત્યાં તેને ખરીદનાર શખ્સો વાપરતા હતાં. જેને આધારે તે તમામ પાંચેય રાજ્યમાં ટીમને મોકલી ચોરીના ફોન કબ્જે લીધા હતાં.