ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણ મહિલા મોરચાની ટીમ આવી કોવિડ દર્દીઓના વ્હારે - daman corona news

કોરોનાકાળમાં અનેક પરિવારો બેહાલ બની રહ્યા છે. પરિવારના મોભી જો કોરોના સંક્રમિત થાય તો તેની પીડા પુરા પરિવારે ભોગવવી પડી રહી છે. ત્યારે આવા પરિવારોને બે-ટંકનું નિઃશુલ્ક ભોજન મળી રહે તે માટે દમણમાં ભાજપ મહિલા મોરચાની ટીમે ફ્રી ટિફિન સેવા શરૂ કરી છે. દરરોજના 100 જેટલા હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓને ભોજન પૂરું પાડી રહ્યા છે.

ભાજપ મહિલા મોરચાની મહિલાઓનો સેવા યજ્ઞ
ભાજપ મહિલા મોરચાની મહિલાઓનો સેવા યજ્ઞ

By

Published : May 12, 2021, 12:12 PM IST

  • કોરાનાકાળમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા
  • 100 લોકોને બે-ટાઇમ નિઃશુલ્ક ભોજન
  • ભાજપ મહિલા મોરચાની મહિલાઓનો સેવા યજ્ઞ

દમણ: દમણની ભાજપ મહિલા મોરચાની ટીમ કોરોના સંક્રમિત પરિવારોની વહારે આવી છે. દમણ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલ ટંડેલના નેતૃત્વમાં મહિલા કાર્યકર્તાઓએ કોરોનાગ્રસ્ત પરિવારોને મફત ટિફિન સેવા આપવાનું શરુ કર્યું છે. જ્યારે સેલવાસમાં યુવા મોરચાની ટીમે આ સેવાની ધૂણી ધખાવી છે.

હાલના કોરોના કાળમાં અચાનક ઘરમાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ જાય અને આખા ઘરને ક્વોરેન્ટાઇન કરીને સીલ મારવામાં આવે ત્યારે ઘર પરિવારની રોજબરોજની વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે. આવા કોરોનાગ્રસ્ત પરિવારો ઘરની બહાર નીકળી શકતા ન હોવાથી તેમની સામે રોજના ભોજનનું સંકટ મહાસંકટ બને છે. ત્યારે આવા પરિવારોને 2 ટંક ભોજન મળી રહે તે માટે દમણ ભાજપની મહિલા મોરચાની મહિલાઓએ સેવા યજ્ઞ શરૂ કરી રોજના 100 જેટલા લોકો માટે નિઃશુલ્ક ટીફીન સેવા શરૂ કરી છે.

કોરાનાકાળમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા

આ પણ વાંચો: ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સેવાભાવી સંસ્થા રોજના 1500 લોકોને પુરૂપાડે છે ભોજન

બપોરનું અને સાંજનું ભોજન પુરી પાડે છે

આ ટિફિન સેવા અંગે દમણ ભાજપ મહિલા મોરચાની અધ્યક્ષ સિમ્પલ ટંડેલે વિગતો આપી હતી કે, મહિલા કાર્યકર્તાઓએ કોરોનાગ્રસ્ત પરિવારોને મફત ટિફિન સેવા આપવાનું શરુ કર્યું છે. જે અંતર્ગત છેલ્લા 12 દિવસથી દમણના કાટેલા પાર્ટી પ્લોટમાં ભાજપ મહિલા મોરચાની તમામ મહિલા કાર્યકર્તાઓ અને દામિની વુમન્સ ફાઉન્ડેશનની બહેનો બપોરનું અને સાંજનું ભોજન પૂરું પાડવા આગળ આવી છે.

UK-લંડનથી દાતાઓનો સહકાર મળ્યો

આ ટિફિન તૈયાર થઇ જાય તે પછી યુવાનોની એક ટીમ ટિફિનને કોરોનાગ્રસ્ત પરિવારોના ઘરે-ઘરે પહોંચાડવાના કાર્યમાં લાગી જાય છે. એક સમય માટે રોજના 100 ટિફિન જાય છે. એ રીતે બપોર અને સાંજનું ભોજન પૂરું પાડવામાં આવે છે. આ સેવા યજ્ઞની ચારે તરફ ખુબ પ્રશંસા થઇ રહી છે. માનવ સેવાના આ યજ્ઞમાં દમણ જ નહીં પરંતુ UK-લંડનથી દાતાઓનો સહકાર મળ્યો છે. કેટલાક દાતાઓએ તેમને ગુપ્તદાન પણ આપ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદનું કરણ ફાઉન્ડેશન પોઝિટિવ દર્દીઓને પહોંચાડી રહ્યું છે ભોજન

દમણમાં મહિલા મોરચા તો સેલવાસમાં યુવા મોરચાની ટીમ કાર્યરત

ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલ ટંડેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી દમણમાં કોરોનાની મહામારી કાબૂમાં ન આવી જાય ત્યાં સુધી આ ફ્રી ટિફિન સેવા ચાલુ રાખવાનો નિર્ધાર છે અને આવી જ સેવા ભાજપના યુવા મોરચા દ્વારા સેલવાસમાં પણ ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દમણમાં કોરોનાની બીજી લહેરનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને લીધે કોરોનાગ્રસ્ત પરિવારોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આવા સંજોગોમાં દમણની ભાજપ મહિલા મોરચાની ટીમ કોરોના સંક્રમિત પરિવારોની વહારે આવી સેવાની અલખ જગાવી છે.

ABOUT THE AUTHOR

...view details