- ભૂતપૂર્વ ગવર્નર વજુભાઈ વાળાનું રાજકોટ એરપોર્ટ પર કરાયું સ્વાગત
- ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો એરપોર્ટ પહોંચ્યા હતા
- કર્ણાટકના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર પુરો કરી વજૂબાપા પહોંચ્યા હોમટાઉન
રાજકોટ : તાજેતરમાં જ દેશનાં વિવિધ રાજ્યોના રાજ્યપાલની નિમણુંક થઈ છે. રાજકોટના વજુભાઈ વાળા પણ કર્ણાટકના રાજ્યપાલ હતા, ત્યારે તેમનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ હવે પૂરો થતાં તેઓ પોતાના હોમટાઉન રાજકોટ ખાતે આજે રવિવારે આવી પહોંચ્યા હતા. રાજકોટમાં સાંજના સમયે વજુભાઈ એરપોર્ટ આવતાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, પોલીસ બેન્ડ પણ તેમના સ્વાગત માટે રાખવામાં આવ્યું હતું. રાજકોટમાં સાંજના સમયે ભારે વરસાદ હોવા છતાં વજુભાઈ વાળાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાની આગવી શૈલી માટે જાણીતા વજુબાપા હોમ ટાઉન રાજકોટ ખાતે આવતા જ ભાજપના કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં વજુભાઈ વાળા વતન પરત ફરશે, મિત્ર સાથે કરી વાત
વજુભાઈ વાળા પહોંચ્યા રાજકોટ એરપોર્ટ
રાજકોટમાં આજે રવિવારે બપોર બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ દરમિયાન, કર્ણાટકના ભૂતપૂર્વ ગવર્નર વજુભાઈ વાળા રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા હતા. જેને લઇને ભાજપના કાર્યકર્તાઓ તેમજ વજુબાપાના સમર્થકો મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વજુભાઈની કાર એરપોર્ટની બહાર આવતા જ પોલીસ બેન્ડ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે તેમને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ, ભાજપના કાર્યકર્તાઓ અને વજુબાપાના મિત્રોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.