- ગાંધીજીના જન્મથી લઈને તેમના વિવિધ આંદોલનો તેમનું જીવન અને વિચારો સહિતના પ્રસંગોની ઝાંખી જોવા મળે છે
- મ્યુઝિયમનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું હતું
- ગાંધી મ્યુઝિયમના નિર્માણ અગાઉ આ શાળા આલ્ફ્રેડ હાઈસ્કૂલના નામે ચાલતી હતી
- મહાત્મા ગાંધીજીએ આ હાઇસ્કૂલમાં 1880ની સાલમાં પ્રવેશ મેળવ્યો હતો.
રાજકોટઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રાજકોટમાં પણ અભ્યાસ કર્યો હતો. ગાંધીજીએ રાજકોટની જુબેલીબાગ ખાતે આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં થોડો સમય અભ્યાસ કર્યો હતો એટલે ગાંધીજીની યાદો રાજકોટ સાથે પણ જોડાયેલી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સ્થળે ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો ત્યાં મ્યુઝિયમ બનાવ્યું છે જે મ્યુઝિયમમાં ગાંધીજીના જન્મથી લઈને તેમના વિવિધ આંદોલનો તેમનું જીવન અને વિચારો સહિતના પ્રસંગોની ઝાંખી જોવા મળે છે. અત્યારની પેઢી ગાંધીજીના જીવન અંગે જાણે તેમજ તેમના વિચારોને અનુસરે તે માટે આલ્ફ્રેડ હાઈસ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવ્યું છે. આ મ્યુઝિયમનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું હતું.
મ્યુઝિયમનું વડાપ્રધાન મોદીએ કર્યું હતું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બર 2018ના રોજ ગાંધી મ્યુઝિયમ લોકાર્પણ કર્યું હતું. હાલ ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ થયાને ચાર વર્ષ જેટલો સમય વીત્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંધી મ્યુઝિયમને અંદાજીત રૂ.26 કરોડના ખર્ચે તૈયાર કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનાવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની મુલાકાતે આવતાં દેશ-વિદેશના લોકો અચુક ગાંધી મ્યુઝિયમની પણ મુલાકાત લે છે. આ મ્યુઝિયમની ખાસ વિશેષતા એ છે કે તેમાં ગાંધીજીના જીવન ચરિત્રથી લઈને તેમના આંદોલનનો સહિતની બાબતોની 3D મુવી પણ દર્શાવવામાં આવી છે. અહીં આવતા દેશ-વિદેશના લોકોને પણ ગાંધીજીના જીવન અંગેની બાબતો સહેલાઇથી સમજાય તે પ્રકારે તેને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમની મુલાકત નાના બાળકોથી માંડીને વડિલો પણ લે છે.
આ પણ વાંચો : Gandhinagar Corporation Election 2021: પ્રચાર પડઘમ શાંત, રવિવારે યોજાશે મતદાન
1,75,000 જેટલા લોકોએ લીધી મુલાકાત
વર્ષ 2018માં ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ બાદથી લઈને અત્યાર સુધી એટલે કે વર્ષ 2021 સુધીમાં દેશ-વિદેશના એક લાખ 75 હજાર જેટલા લોકોએ મુલાકાત કરી છે. વૈશ્વિક કોરોનાની મહામારીના કારણે થોડો સમય માટે આ ગાંધી મ્યુઝિયમ બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ હાલ કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ગાંધી મ્યુઝિયમને ફરી શરૂ કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના લોકો અહીં ગાંધીજીના જીવન અંગેના મૂલ્યો તેમજ ગાંધીજીના વિચારો અને તેમને અપનાવેલા અહિંસાનો માર્ગ સહિતની બાબતો અંગે જાણવા માટે ફરી આવતા થયા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ ગાંધી મ્યુઝિયમનું હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.