- રાજકોટ પોલિસે યોજ્યો લોકદરબાર કાર્યક્રમ
- શહેરમાં વ્યાજખોરી, લેન્ડ ગ્રેબિંગ તથા G.P.I.D. Act અંગે લોકદરબાર
- 96 જેટલી અરજીઓ રૂબરૂમાં આવી
રાજકોટઃ રાજકોટ પોલીસ ( Rajkot Police Commissioner Manoj Agarwal ) કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સવારે 10 કલાકથી બપોરના 2 વાગ્યા સુધી લોકદરબારનું કામ ચાલ્યું હતું. આ કાર્યક્રમમાં વ્યાજના આતંકનો ભોગ બનેલા અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ લઇને અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમની અરજીનો પોલીસ દ્વારા સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
મોટી સંખ્યામાં અરજદારોએ લીધો ભાગ
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરમાં વ્યાજખોરી ડામવા અને લેન્ડગ્રેબિંગ જેવા ગુનાઓમાં અંકુશ આવે તે માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. શહેરના રૈયા રોડ ખાતે આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આ લોક દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકો તેમજ લેન્ડ ગ્રેબિંગની અરજીવાળા અરજદારો આવી પહોંચ્યા હતા. જેને પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ પર જ સાંભળવામાં આવ્યાં હતાં અને તેમની અરજીને આધારે ફરિયાદનો તાત્કાલિક નિકાલ થાય તે અંગેના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. રાજકોટ પોલીસના ( Rajkot Police ) લોક દરબારને શહેરીજનોએ પણ વધાવ્યો હતો અને પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.
લોકોમાં ડર દૂર થાય તે માટે લોકદરબારનું આયોજન
સામાન્ય રીતે લોકો વ્યાજખોરી અને લેન્ડ ગ્રેબિંગ જેવા મુદ્દે ડરતાં હોય છે અને પોલીસને ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. એવામાં રાજકોટ પોલીસ ( Rajkot Police ) દ્વારા શહેરમાં વ્યાજખોરી ડામવા અને લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ ઘટાડવા માટે આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ પણ પોતાની સાથે થયેલી ઘટનાઓ અંગે પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું અને પોલીસ અધિકારીઓએ પણ જે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથે રાખીને આ તમામ સમસ્યાઓને સાંભળીને જરૂર જણાય તો આ અંગે ગુનાઓ પણ નોંધ્યા હતાં અને ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી પણ અરજદારોને આપી હતી.
96 જેટલી અરજીઓ રૂબરૂમાં આવી
રાજકોટ પોલીસ ( Rajkot Police ) દ્વારા યોજવામાં આવેલા લોક દરબારમાં અંદાજિત 96 જેટલા અલગ-અલગ ભોગ બનેલા અરજદારોની અરજીઓ આવી હતી. જેને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસવામાં આવી હતી અને જે તે પોલીસ મથક ખાતે તેને મોકલવામાં આવી હતી. ત્યારે આ અરજીઓ મારફતે ફરિયાદ અંગે યોગ્ય કાર્યવાહી થાય તે દિશામાં પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરમાંથી વ્યાજખોરી અને લેન્ડ ગ્રેબિંગ જેવા મુદ્દાઓમાં ઘટાડો આવે તે અંગેના પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં મકાન પચાવી પાડવા મુદ્દે દંપતિ વિરુદ્ધ Land grabbing act હેઠળ ગુનો નોંધાયો