- એનેમિયા હોવા છતાં નીભાવે છે ફરજ
- વેક્સિનેશનના પ્રથમ ફેઈઝથી કાર્યરત છે હેતલબેન
- ડોક્ટરો અને સહકર્મચારીઓ પણ રાખે છે કાળજી
સગર્ભાવસ્થા સાથે વેક્સિનેટરની ભુમિકા અદા કરતા રાજકોટના નર્સ હેતલબેન માકડીયા
રાજકોટમાં ફ્રન્ટલાઈન કર્મવીર તરીકે પોતાની ફરજ બજાવતા હેતલબેન માકડીયા 6 માસના સગર્ભા હોવા છતા પોતાની સમાજ પ્રત્યેની ભૂમિકા અદા કરવાનું ચૂક્યા નથી.
રાજકોટ: કોરોનાના કપરા કાળમાં કોરોનાને હરાવવા માટે અનેક ફ્રન્ટલાઈન કર્મવીરોએ પોતાનું યોગદાન આપ્યું છે. આવા સમયે ફ્રન્ટલાઈન કર્મવીરો પૈકી નર્સ તરીકે સેવા બજાવતા અને છ માસની સગર્ભા હેતલબેન માકડીયાને સેવાનો અવસર મળ્યો હોય તેમ માનીને વેક્સિનેટર તરીકે પોતાની સમાજ પ્રત્યેની ભુમિકા અદા કરી રહ્યા છે.
છેલ્લા સાત વર્ષથી રાજકોટ સિવિલમાં આપે છે સેવા
આ તકે હેતલબેન માકડીયાએ જણાવ્યું હતું કે, હું એક નર્સ છું અને છેલ્લા સાત વર્ષથી રાજકોટ સિવિલમાં ખાતે સેવા આપુ છું. કોરોનાના કપરા કાળમાં હું એનેમિયાની બિમારીનો સામનો કરી રહી હતી. મારી આ સમસ્યાના કારણે મને કોરોનાના દર્દીઓની સેવા કરવાનો મોકો નથી મળ્યો, તે વાતનું દુઃખ હતું. ઈશ્વર બધાને સમાન તક આપે છે તે ન્યાયે મને પણ સેવાની એક તક મળી, કોરોનાની રસીના વેક્સિનેટર બનવાની.
સહકર્મચારીઓ પણ રાખે છે વિશેષ કાળજી
હેતલબેન વધુમાં જણાવ્યું હતું કે, મારા પપ્પા એક આર્મીમેન છે. તે બોર્ડર પર દેશના લોકોનું રક્ષણ કરે છે અને મને દેશની અંદર સફેદ કોટ પહેરીને દેશ સેવાનો મોકો મળ્યો છે. જે હું ગુમાવવા માંગતી ન હતી, એટલે વેક્સિનેશન કરવાની કામગીરીમાં મેં મારૂ નામ લખાવ્યું અને તાલીમ લીધી. 16મી જાન્યુઆરીથી લઈને શરૂ કરાયેલા વેક્સિનેશનના પ્રથમ ફેઈઝથી લઈને આજદિન સુધી હું કામગીરી કરી રહી છું. અહીં અમારા ડોક્ટરો અને સહકર્મચારીઓ ઉમદા સ્વભાવના છે. આ લોકો મારી ખૂબ કાળજી રાખે છે અને મને મારી સગર્ભાવસ્થાના કારણે કોઈ સમસ્યા ન થાય તે માટે મને એકાંતરા ડ્યુટી સોંપી છે.