- રાજકોટના તબીબનું માનવતાભર્યું કામ
- પિતા કોરોનાગ્રસ્ત થયા હોવા છતા બજાવે છે ફરજ
- ચાલુ વર્ષે રમઝાન માસ દરમિયાન રોજા પણ નથી રાખ્યા
રાજકોટ: મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ રમઝાન માસમાં પ્રત્યેક મુસ્લિમ બિરાદરની જેમ દર વર્ષે ડો. ઇલ્યાસ રોજા રાખતા હતા, પરંતુ આ વર્ષના રમઝાન માસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવાના કારણે તેઓ રોજા નથી રાખી શક્યા. ડો. ઇલ્યાસને રોજા ન કરી શકવાનો અફસોસ તો છે, પરંતુ અલ્લાહના દરબારમાં તે એડવાન્સમાં કબૂલ થઇ ચૂક્યા છે. કેમકે, તેઓ કોરોના વોર્ડમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.
તબીબના પિતા પણ થયા કોરોના સંક્રમિત
કોરોનાના દર્દીઓની સારવાર સાથે સંકળાયેલા ડો. ઇલ્યાસના પિતા પણ કોરોના સંક્રમિત છે. તેઓ ફોન પર પિતાજીના ખબર અંતર પૂછીને પોતાની ફરજો સંપૂર્ણ સમર્પિતભાવે અદા કરી રહ્યા છે. ડો. ઇલ્યાસના પિતા આમદભાઇ જુનેજા ગોંડલની નૂતન કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકેની કારકિર્દી પૂર્ણ કરીને નિવૃત્ત જીવન ગુજારે છે. જયારે એમ.એ. બી.એડ.ની ડીગ્રી ધરાવતા તેમના માતા રાબિયાબેન હાલ ગૃહિણી છે. સંકોચપૂર્વક પોતાની આ વિગતો આપતા ડો.ઇલ્યાસે જણાવ્યું હતું કે, હું એક સામાન્ય નાગરિક છું અને મારે ભાગે આવેલી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવું છું.