- રાજકોટમાં રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયૂ
- સિવિલ હોસ્પિટલમાં કોવિડ સ્ટાફની પણ કોઈ કમી નથી
- પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની પણ વ્યવસ્થા
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ એકાએક કોરોના કેસમાં વધારો થયો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ આ ચાર મુખ્ય શહેરોમાં રાત્રીના કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, બરોડા અને સુરત જેવા મોટા શહેરોમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયૂ લગાવવામાં આવ્યું છે. આમ કોરોના સંક્રમણની ચેન રોકવા માટે ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શહેરોમાં રાત્રી કરફ્યૂ લગાવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા પણ કોરોનાના કેસ વધતા પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. રાજકોટમાં કોરોનાના કેસ વધતા ક્યાં પ્રકારની તૈયારી છે. તે અંગે તે માહિતી ETV ભારતે સુપ્રિટેન્ડેન્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો:રાજ્યમાં વધતા જતા કેસને લઈ અમદાવાદ સિવિલ તંત્ર સજ્જ
સિવિલ હોસ્પિટલમાં હાલ 590 બેડની વ્યવસ્થા
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ છે, તેમજ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં હાલ કોવિડ માટે 590 જેટલા બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની પણ વ્યવસ્થા છે. જ્યારે અમે ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને પણ આગામી દિવસોમાં કોરોના સંક્રમણ કેસને લઈને એલર્ટ રહેવા માટેની સુચનાઓ પણ જાહેર કરી છે.