ગુજરાત

gujarat

By

Published : Apr 30, 2021, 7:42 PM IST

ETV Bharat / city

કોરોનાએ માતાપિતાની છત્રછાયા છીનવી, તેમ છતા આ ડૉક્ટર કરી રહી છે કોરોના દર્દીઓની સેવા

રાજકોટમાં કોરોના મહામારીમાં માતાપિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ હિંમત હાર્યા વિના દર્દીઓની સેવા કરવાનું ચાલુ રાખી અપેક્ષા નામની તબીબી વિદ્યાર્થીનીએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવી પરંતુ હિંમત હાર્યા વિના દર્દીની સેવા કરતી વિદ્યાર્થીની અપેક્ષા
કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવી પરંતુ હિંમત હાર્યા વિના દર્દીની સેવા કરતી વિદ્યાર્થીની અપેક્ષા

  • રાજકોટની અપેક્ષા નામની કોરોના વોરિયર બની બહાદુરીનો પર્યાય
  • કોરોના મહામારીમાં માતાપિતાને ગુમાવવા છતાં પણ ફરજ પર ઉપસ્થિત
  • અન્ય લોકોના માતાપિતાને બચાવીને મારા માતાપિતાને શ્રદ્ધાંજલિ આપવી છે: અપેક્ષા

રાજકોટ: હજુ હમણાં જ મહામારીમાં માતાપિતાને ગુમાવ્યા છે, પરંતુ જે વ્યવસાય સ્વીકાર્યો છે તેને સમર્પિત બની હાલની પરિસ્થિતિમાં અન્ય લોકોના માતાપિતાને મદદરૂપ બનવા સામેથી ડ્યુટી સ્વીકારી છે, પી.ડી.યુ. મેડિકલ કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડિયાએ. તેનું કહેવું છે કે મારા માતાપિતા હવે રહ્યા નથી, જેનું મને ખુબ જ દુઃખ છે. આ દુ:ખને ભૂલાવીને પણ માનવજાત ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં હું અન્યોને મદદરૂપ થવા માંગુ છું. કોરોના સંક્રમણથી અન્ય લોકોના માતા - પિતાને બચાવીને મારે મારા માતા - પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવી છે.

કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવી પરંતુ હિંમત હાર્યા વિના દર્દીની સેવા કરતી વિદ્યાર્થીની અપેક્ષા

27 એપ્રિલથી જ સમરસ કોવીડ સેન્ટર પર ફરજ પર હાજર થઈ ગઈ અપેક્ષા

અનેક ગંભીર દર્દીઓનો અને તેમના પરિવારજનોનો જ્યારે મેડિકલ ટીમ પર ભરોસો છે, ત્યારે તેમને મદદરૂપ થવું જોઈએ, તેવું સમજી 27 એપ્રિલથી સમરસ કોવીડ સેન્ટર પર ફરજ બજાવવાનું અપેક્ષાએ શરુ કરી દીધું છે. દર્દીઓના રિપોર્ટ્સ, ઓક્સિજન લેવલ ચેક કરવું, દવા આપવી, દર્દીના શિફટિંગ તેમજ અન્ય કામગીરીમાં મદદરૂપ બની રહી છે અપેક્ષા, તેનો પ્રથમ અનુભવ જણાવતા અપેક્ષા કહે છે કે, હાલમાં જ એક ગંભીર દર્દીને પી.ડી.યુ ખાતે શિફ્ટ કરવા સમયે દર્દીની સાથે એમ્બ્યુલન્સમાં સાથે જઈ દેખભાળ કરી, એટલું જ નહિ દર્દીને વેન્ટિલેર પર મુકાય ત્યાં સુધી મદદરૂપ બની. હાલ એ દર્દીની સ્થિતિ સારી છે. જે તેના માટે આનંદની ક્ષણો હોવાનું અપેક્ષા જણાવે છે.

કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવી પરંતુ હિંમત હાર્યા વિના દર્દીની સેવા કરતી વિદ્યાર્થીની અપેક્ષા

પિતા 6 એપ્રિલ અને માતા 10 એપ્રિલે મૃત્યુ પામ્યા

અપેક્ષાના પિતાજી ગત. 6 એપ્રિલ અને માતા 10 એપ્રિલના રોજ કોરોનાના કારણે અવસાન પામતા તેના પર અપાર દુઃખ આવી પડ્યું છે. આ સાથે જ 10માં ધોરણમાં ભણતા નાના ભાઈના ઘડતરની પણ મોટી જવાબદારી તેના પર આવી ચડી છે. આ કપરી પરિસ્થિતિમાં તેણી ધારત તો ફરજનો અસ્વીકાર કરી શકે તેમ હતી, પરંતુ તેણે ફરજને પ્રાથમિકતા આપી. દુઃખી રહેવાને બદલે દર્દીઓની સારવારમાં જીવ રેડી દીધો છે. હાલ સમરસ ખાતે અનેક દર્દીઓની વચ્ચે ખુબ વિશ્વાસ અને હિંમતનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી અપેક્ષા તેના કામમાં નિપુણતા મેળવી રહી છે. અપેક્ષાની જેમ જ હાલ તબીબી વિદ્યાર્થીઓ જરૂરિયાતના સમયે દર્દીઓને બચાવવાની તેમની ફરજ અદા કરી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details