રાજકોટઃ શુક્રવારે ધ્રોલના ત્રિકોણબાગ ખાતે જાહેરમાં અજાણ્યા ઈસમો દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરી દિવ્યરાજસિંહ ઉર્ફ દિવુંભા જદૂવીરસિંહ જાડેજા નામના યુવાનની હત્યા કરી નાસી છૂટ્યા હતા. જાહેરમાં યુવાનની હત્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ધ્રોલમાં જાહેરમાં ફાયરિંગ કરી હત્યા, પોલીસે આરોપીઓની કરી ધરપકડ - આરોપી
શુક્રવારે ધ્રોલના ત્રિકોણબાગ ખાતે જાહેરમાં અજાણ્યા ઈસમો દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઘટનામાં આરોપીઓ હત્યા કરીને મોરબી તરફ નાસી છૂટ્યા હતા. મોરબી પોલીસે હત્યાના બે ઈસમોને ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપી અનિરૂદ્ધસિંહ શોઢાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અગાઉ પડધરી ટોલનાકે વાહન પસાર બાબતે મૃતક દિવ્યરાજ સાથે માથાકૂટ બાબતે, તેમજ ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા સાથે પણ રાજકોટની કોઈ જમીનની બાબતે કરેલા કામ અંગે નાણાંની વહેંચણીમાં તકરાર હતી. જે કારણે બન્ને આરોપીઓએ ભેગા મળી કાવતરૂ રચીને બહારથી સોનું અને બબલુ નામના શૂટર બોલાવીને હત્યાને અંજામ આપ્યો હતો.
રાજકોટ રેન્જ પોલીસે અનિરૂદ્ધસિંહ શોઢા અને મુસ્તાક પઠાણ નામના બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. જેની વધુ પૂછપરછ શરૂ છે. હાલ આ હત્યાના બનાવમાં કુલ 7 આરોપીઓ છે. જેમાં ત્રણ આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. હાલ જામનગર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.