- રાજકોટની સામાજિક સંસ્થાને સેવા બાદ પણ થયો કપરો અનુભવ
- ભરેલા ઓક્સિજન સિલિન્ડર આપ્યા બાદ ખાલી સિલિન્ડર પરત અપાતા નથી
- સંસ્થા દ્વારા ઘરે-ઘરે જઈને સિલિન્ડર પરત કરવા માટે કરાઈ રહી છે વિનંતી
રાજકોટઃ રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બોલબાલા ટ્રસ્ટ દ્વારા પણ ઓક્સિજન સિલિન્ડરની સેવાઓ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી હતી. જેમાં સંસ્થા દ્વારા ઓક્સિજનના 1 હજારથી વધુ નવા સિલિન્ડર ખરીદવામાં આવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા રૂપિયા 28 લાખની ફિક્સ ડિપોઝીટ તોડીને આ સિલિન્ડર ખરીદવામાં આવ્યા હતા, પરંતુ આ ઓક્સિજનના સિલિન્ડર જે દર્દીઓના સગાઓ લઈ ગયા છે, તે પૈકી 90 ટકા લોકોએ પરત કર્યા નથી. જેને લઈને બોલબાલા ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં ઓક્સિજનના સિલિન્ડર પરત મેળવવા પોલીસની મદદ પણ લઈ શકે તેમ છે.
સામાજિક સંસ્થાએ એફ.ડી તોડાવીને ઓક્સિજન સિલિન્ડરની સેવા કરી, હવે લોકો સિલિન્ડર પણ પરત નથી કરી રહ્યા આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે લેવાયા કેટલાક નિર્ણયો
અત્યાર સુધી બોલબાલા ટ્રસ્ટ દ્વારા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવતા હતા. છેલ્લા બે દિવસથી બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ દ્વારા અને ટ્રસ્ટના સંચાલકો દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સમયસર ઓક્સિજન સિલિન્ડર પરત નહી આપનારા લોકોએ પેનલ્ટી ભરવી પડશે. જોકે, ઓક્સિજનના સિલિન્ડર પરત ન આવવાથી હાલમાં બોલબાલા ટ્રસ્ટની પણ સાયકલ ટુટી છે. અત્યાર સુધી તેઓ સમગ્ર રાજકોટમાં ઓક્સિજન ભરેલા સિલિન્ડર આપવામાં આવતા હતા. જોકે, સિલિન્ડરની અછતના કારણે હવે દર્દીઓને માત્ર ખાલી સિલિન્ડર આપીને ઓક્સિજનની વ્યવસ્થા કરી લેવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જરૂર પડશે તો પોલીસની મદદ પણ લેવાશે
બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જ્યેશ ઉપાધ્યાયે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓક્સિજનના સિલિન્ડર લઇ ગયા બાદ પણ પરત આપવામાં નહીં આવતા હોવાથી તેમની સાયકલ તૂટી છે અને જો આ સિલિન્ડર લોકો સ્વૈચ્છિક રીતે પરત નહીં આપે તો આગામી દિવસોમાં સેવાકીય કાર્યથી દૂર રહેવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવી શકે છે. આ ઓક્સિજનના સિલિન્ડર પાછા મેળવવા માટે તેઓ રાજકોટ પોલીસની મદદ પણ લઈ શકે છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા અપાયેલા સિલિન્ડર પરત મેળવવા હાલ એક કમિટી બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના સભ્યો ઘરે-ઘરે જઈને સિલિન્ડરની ઉઘરાણી કરી રહ્યા હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.