- રાજકોટમાં યોજાતા લોકમેળાને બીજા વર્ષે કોરોનાનું ગ્રહણ
- હાલમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ સૂમસામ જોવા મળી રહ્યું છે
- જૂઓ હાલની પરિસ્થિતિ અને મેળા દરમિયાનના દ્રશ્યો
રાજકોટ: શહેરમાં દર વર્ષે જન્માષ્ટમી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા 5 દિવસ માટે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. દર વર્ષે જુદા જુદા નામ સાથે યોજવામાં આવતા મેળામાં અલગ અલગ રાઈડ્સ તેમજ ખાણીપીણીની પણ વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. આ મેળાના કારણે વહીવટી તંત્રને પણ સારી એવી આવક થતી હોય છે, પરંતુ કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી. જેના કારણે રેસકોર્ષ ગ્રાઉન્ડ હાલમાં એકદમ સૂનું લાગી રહ્યું છે. તો મેળા દરમિયાનના દ્રશ્યો અને હાલના દ્રશ્યો પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મહામારીએ ઘણું બધુ બદલી નાખ્યું છે.
રાજકોટમાં સતત બીજા વર્ષે લોકમેળાનું આયોજન નહીં, જૂઓ હાલના અને અગાઉના દ્રશ્યો સૌરાષ્ટ્રભરમાં 5 દિવસનું હોય છે મિની વેકેશન
સાતમ-આઠમના તહેવારનું સૌરાષ્ટ્રમાં એક અલગ જ મહત્વ હોય છે. જ્યારે મોટાભાગના ઉદ્યોગ ધંધા જન્માષ્ટમી નિમિતે 5 દિવસ સુધી બંધ થઈ જાય છે. નાગપાંચમથી આ સાતમ-આઠમના તહેવારો શરૂ થાય છે અને દસમ સુધી ચાલે છે. જ્યારે છઠથી મેળાનું લોકાર્પણ કરવામાં આવતું હોય છે. સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ખાનગી તેમજ વહીવટી તંત્રના આયોજનથી નાના મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. લોકો પણ પાંચ દિવસ સુધી આ તહેવારની મજા માણતા હોય છે અને મેળામાં ફરવા માટે આવતા હોય છે.
મેળામાં ઉમટી પડે છે લાખોની જનમેદની
રાજકોટમાં યોજાતો લોકમેળો એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો હોવાનું માનવામાં આવે છે. જ્યારે આ લોકમેળો સતત પાંચ દિવસ સુધી ચાલે છે. જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી લાખોની સંખ્યામાં લોકો આ મેળાની મજા માણવા માટે આવતા હોય છે. દરરોજ મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોય છે. જ્યારે સવારથી રાતના 12 વાગ્યા સુધી આ લોકમેળો ચાલુ રહેતો હોય છે. જેમાં મોટી સંખ્યામાં નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વૃદ્ધો સહિતના લોકો આ મેળાની રંગત માણવા માટે આવતા હોય છે. જ્યારે મેળામાં પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ શરૂ હોય છે.
વહીવટી તંત્રની કરોડો રૂપિયાની કમાણી
રાજકોટના લોકમેળાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા મેળાની બે મહિના અગાઉ જ તૈયારી કરવામાં આવે છે. તેમજ મેળામાં વિવિધ સ્ટોલ અને પ્લોટ હોય છે, તેનું હરાજી મારફતે વેચાણ કરવામાં આવે છે. આ પ્લોટોમાં નાના-મોટા રમકડાના સ્ટોલો, ખાણીપીણી અને નાસ્તા માટેના સ્ટોલ તેમજ વિવિધ રાઈડ્સ માટેના પ્લોટનું વેચાણ હરાજી મારફતે કરવામાં આવે છે. જેની કરોડોની આવક વહીવટીતંત્ર અને માત્ર પાંચ જ દિવસમાં થતી હોય છે. આમ વહીવટી તંત્રને પણ છેલ્લા બે વર્ષથી મેળાનું આયોજન થતું ન હોવાથી કરોડો રૂપિયાનું નુકસાન વર્તાઈ રહ્યું છે.