- મગફળીનો ભાવ રૂપિયા 950થી 1070 સુધી
- ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચવાનું પસંદ કરે છે
- યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈન જોવા મળી
રાજકોટ : શહેરના મોરબી રોડ ખાતે આવેલી બેડી માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોની મોટી કતાર જોવા મળી છે. દિવાળી બાદ પ્રથમ વખત ખેડૂતો પોતાના વાહનો લઈને ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે લાઈનમાં ઉભા હતા. ખુલ્લી બજારમાં મગફળીના સારા ભાવ મળવાને કારણે મોટાભાગના ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. જેને લઈને મંગળવારે યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.
ખુલ્લી બજારમાં મગફળી વહેંચવા રાજકોટ માર્કેટ યાર્ડ બહાર ખેડૂતોની કતાર ખુલ્લી બજારમાં મગફળીના ભાવ રૂપિયા 950થી 1070
રાજ્ય સરકાર દ્વારા પણ હાલ મગફળીની ટેકના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જ્યારે સરકાર દ્વારા મણનો રૂપિયા 1055 ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. બીજી તરફ ખુલ્લી બજારમાં મગફળીનો ભાવ હાલ રૂપિયા 950થી લઈને 1070 સુધી એટલે કે, ટેકાના ભાવ કરતા પણ વધુ મળી રહ્યો છે. ખુલ્લી બજારમાં ખેડૂતોને મગફળી રિજેક્ટ થવાનો પણ ભય રહેતો નથી. તેમજ તાત્કાલિક પૈસાની ચૂકવણી થઈ જાય છે. જેથી ખેડૂતો મુક્ત બજારમાં મગફળી વેચી રહ્યા છે.
માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇન જોવા મળી
રાજકોટના મોરબી રોડ પર આવેલી બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મંગળવારે વહેલી સવારથી જ ખેડૂતો વાહનોમાં મગફળી લઈને વેચવા માટે આવી પહોંચ્યા હતા. યાર્ડ દ્વારા દિવાળી બાદ લાભ પાંચમના દિવસે યાર્ડ ખુલ્લુ રાખ્યું હતું, જે દરમિયાન મોટાભાગની મગફળીની આવક થઈ હતી. ત્યાર બાદ મગફળીની પ્રમાણ વધતા આવક બંધ કરવામાં આવી હતી, પરંતુ મગફળીનું વેચાણ થઈ જતા હાલ ફરી યાર્ડમાં મગફળીની આવક શરૂ કરવામાં આવી હતી. જે કારણે યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.