- રાજકોટમાં આયુર્વેદિક દવાઓના નામે એક્સપાયરી દવાનું કૌભાંડ
- લાખોની દવા ઝડપાઇ
- ગોડાઉનમાંથી મળી આવ્યો લાખોની દવાઓનો જથ્થો
રાજકોટઃ SOG એ ગુરુવારે પરેશ પટેલના ક્લિનીક અને રહેણાંક વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી લાખોની કિંમતની એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવી હતી. આ આયુર્વેદિક દવાઓ યોગ્ય છે કે નહીં તે મામલે SOG એ વધુ તપાસ શરૂ કરી છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની મદદ લેવામાં આવી છે. આ ટિમ દ્વારા શુક્રવારે પરેશ પટેલની વધુ ત્રણ જેટકી અલગ અલગ દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન પણ આયુર્વેદિક દવાઓનો મોટો જથ્થો ઝડપાયો છે. હજુ પણ આ તપાસ શરૂ છે. સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ ખરેખરમાં આ આખો મામલો શું છે તે બહાર આવી શકે છે.
આયુર્વેદિક દવાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા
પરેશ પટેલ આયુર્વેદિક દવાઓના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે. જેમાં તે જે તે કંપનીઓની એક્સપાયરી દવાઓનો જથ્થો એકઠો કરીને આ દવાઓ પર નવી તારીખના સ્ટીકર મારીને આ દવાઓ વેંચાણ અર્થે રાખતો હતો. આ આયુર્વેદિક દવાઓમાં સીરપ કે જે કફ, કિડની તેમજ અન્ય વિટામિનની દવાઓ, ચૂર્ણ તેમજ ચ્યવનપ્રાસ, ઇમ્યુનિટી બુસ્ટર, મધુમેહ નાશક જેવા રોગોની દવાઓનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓ એક્સપાયરી ડેટની હોવા છતાં તેમાં નવી તારીખ નાખીને તેનું વેંચાણ કરવામાં આવતું હતું. જે અંગેની બાતમી SOG ને મળતા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.