- દિનેશ ત્રિવેદીએ સાંસદ પદ પરથી આપ્યું રાજીનામું
- તૃણમૂલ કોંગ્રેસમાં ગૂંગળામણની લાગણી અનુભવી રહ્યા હતા
- ભાજપ પશ્ચિમ બંગાળમાં સક્રિય થવા રણનીતિ અપનાવી રહ્યું છે
રાજકોટઃ તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ ત્રિવેદીએ અચાનક સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમજ તેમણે નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે, હવે તૃણમૂલ કોંગ્રેસમાં ગૂંગળામણ જેવી લાગણી અનુભવી રહ્યા છે, ત્યારે દિગગજ નેતા દિનેશ ત્રિવેદીએ અચાનક રાજીનામું આપતા એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે તે ભાજપમાં જોડાશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ સક્રિય થવા માટે આ નવી રણનીતિ અપનાવી રહી છે. આગામી દિવસોમાં દિનેશ ત્રિવેદીને ગુજરાતમાં રાજ્યસભાની ગમે તે એક બેઠક પરથી ફરી દિલ્હી મોકલાય તેવી પણ શક્યતાઓ છે. જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
દિનેશ ત્રિવેદી ગુજરાતમાંથી બની શકે છે રાજ્યસભાના સાંસદ દિનેશ ત્રિવેદી અગાઉ રહી ચૂક્યા છે કેન્દ્રીય પ્રધાન
દિનેશ ત્રિવેદી અગાઉ પણ કેન્દ્રમાં રેલવે પ્રધાન રહી ચૂકયા છે, ત્યારે તે તૃલમુલ કોંગ્રેસમાંથી રાજ્યસભામાં ગયા હતા અને અચાનક તેમણે રાજીનામું આપ્યું છે. જેને લઇને એવી ચર્ચાઓએ પણ શરૂ થઈ શકે તે આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આ BJPનો માસ્ટર સ્ટ્રોક ગણી શકાય છે. દિનેશ ત્રિવેદીને ગુજરાતમાંથી રાજ્યસભાની બેઠક પરથી ફરી દિલ્હી મોકલવામાં આવશે. જેમાં તેમને કેન્દ્રીય પ્રધાન પણ બનાવી શકાય છે.
ભાજપની આ રણનીતિ રહી છે: સુનિલ જોશી
દિનેશ ત્રિવેદીના રાજીનામાંને અને ભાજપમાં જોડાવાને લઈને ETV BHARAT દ્વારા વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપની આ મુખ્ય રણનીતિ રહી છે. જે વિસ્તારમાં ભાજપ જીતી શકતી નથી, તે વિસ્તારના સ્થાનિક અને મુખ્ય ચહેરાઓને ભાજપ પોતાના પક્ષમાં સામેલ કરી લે છે. જેને લઇને આ વિસ્તારને ભવિષ્યમાં સહેલાઈથી જીતી શકાય છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ હાલ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ભાજપ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે, પરંતુ જોઈએ એ પરિણામ મળતું નથી. જેને લઈને ભાજપ દ્વારા હવે નવી રણનીતિ આ વિસ્તારમાં અપનાવવામાં આવી છે.
રાજ્યસભાની 2 ખાલી બેઠકો પર ચૂંટણી જાહેર
તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અવસાન થયું હતું. જે કોંગ્રેસમાંથી રાજ્યસભામાં ગયા હતા, જ્યારે ભાજપના અભય ભારદ્વાજનું પણ અવસાન થયું છે. તે રાજકોટના વતની હતા અને તે પણ ભાજપમાંથી રાજ્યસભામાં ગયા હતા. આ બન્ને રાજ્યસભાના સાંસદોનું અવસાન થતાં હાલ ગુજરાતમાં ફરી રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે. જેને લઇને ચૂંટણી પંચ દ્વારા આ બન્ને બેઠકો પર ફરી ચૂંટણી જાહેર કરી છે. એક બેઠક પર ભાજપ દિનેશ ત્રિવેદીને રાજ્યસભામાં મોકલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, દિનેશ ત્રિવેદીએ પોતાની કર્મભૂમિ પશ્ચિમ બંગાળ બનાવી છે, જ્યારે તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો છે.