- રાજકોટમાં ગરમ કપડા બજારમાં મંદીનો માહોલ
- ભૂતખાના ચોકમાં ભરાય છે ગરમ કપડા બજાર
- અલગ-અલગ રાજ્યોથી વેપારીઓ આવે છે વેપાર કરવા
- ગરમ કપડાના ભાવમાં ઘટાડો હોવા છતા ખરીદી ઓછી
રાજકોટઃ શહેરના ભૂતખાના ચોકમાં ગરમ કપડાં બજાર ભરાય છે. ઠંડીની શરૂઆત થતાની સાથે ઉત્તરભારતના ગરમ કપડાના વેપારીઓ પોતાના પરિવાર સાથે અહીં ત્રણ મહિના રહે છે અને ગરમ કપડાનો વેપાર કરે છે. છેલ્લા 10 વર્ષથી અહીં આ ગરમ કપડાંની બજાર ભરાય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારી હોવા છતાં પણ વેપારીઓ દર વર્ષેની જેમ આ વર્ષે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે, પરંતુ હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગરમ કપડા બજારમાં પણ જોવા મળી કોરોના મહામારીની અસર
ચાલુ વર્ષે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારીની અસર ગરમ કપડાં બજારમાં પણ જોવા મળી છે. દર વર્ષે શિયાળો આવતાંની સાથે જ ગરમ કપડાના ભાવમાં પણ ઉછાળો જોવા મળતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે વધુ પ્રમાણમાં ઠંડી હોવા છતાં પણ ગરમ કપડાના ભાવમાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટની બજારમાં પણ હાલ મંદીનો માહોલ વચ્ચે ગરમ કપડાના ભાવમાં પણ ઘટાડો થયો છે, છતાં પણ લોકો હાલ ગરમ કપડા ખરીદવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે.
ગરમ કપડા સારી ક્વોલિટીના હોવાથી લોકો ખરીદી કરવાનું પસંદ કરે છે
ભૂતખાના ચોકમાં દરવર્ષે ગરમ કપડાંની બજાર ભરાય છે. જેમાં ભારતના અલગ-અલગ રાજયમાંથી વેપારીઓ ગરમ કપડાં વહેંચવા માટે આવે છે. જેને રાજકોટવાસીઓ ચીનીબજાર તરીકે ઓળખે છે. મુખ્યત્વે આ બજારમાં ઉતરભારતના વેપારીઓ આવતા હોય છે. જેને લઈને બજારમાં પણ જે ગરમ કપડાં આવતા હોય છે તે પણ ત્યાંની જ બનાવટના હોવાના કારણે સારી ક્વોલિટીના હોય છે. જેના કારણે મોટાભાગના લોકો અહીંથી ગરમ કપડાં લેવાનું પસંદ કરે છે.
રાજકોટમાં ગરમ કપડાના ભાવમાં 20 ટકાનો ઘટાડો છતા મંદીનો માહોલ