- બાળકોને આપવામાં આવી રહી છે સારી સારવાર
- દિવસ રાત ખડે પગે છે ડૉક્ટરની ટીમ
- પરીવાર જનો માની રહ્યાં છે ડૉક્ટર્સનો આભાર
રાજકોટ કોરોના પોઝિટિવ નવજાત બાળકી “લક્ષ્મી”ને સઘન સારવાર દ્વારા અપાયું નવજીવન - ગુજરાતમાં કોરોના
રાજકોટમાં કોરોના પોઝિટિવ લક્ષ્મીને સઘન સારવાર આપી તેને બચાવી લેવામાં આવી છે. કોરોના સંક્રમણનો ભોગ બનેલા નાના ભુલકાને ઉગારવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગે આપી સંપૂર્ણ સારવાર.
રાજકોટ: કોરોના સંક્રમણનો ભોગ બનેલા નાના ભુલકાને ઉગારવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગના ડોક્ટર્સ અને નર્સો રાત-દિવસ જોયા વગર 24X7ના ધોરણે આદર્શ કામગીરી બજાવી રહ્યા છે. આ કામગીરી અંગે પિડિયાટ્રીક ડૉ. ચેતન ભલગામિયા જણાવે છે કે, સામાન્ય રીતે બાળકના જન્મ સમયના રૂદનને “ફર્સ્ટ ક્રાય” કહેવામાં આવે છે. જો બાળક “ફર્સ્ટ ક્રાય” ન કરે તો તે એક ગંભીર બાબત કહેવાય છે.
સિરમ ક્રીએટીન લેવલ 4.03 ટકા જેટલું થતા રાજકોટ સારવારમાં લવાઈ
એક બાળકીનો જન્મ સુરેન્દ્રનગર સિવિલ ખાતે તા. 10-5-2021ના રોજ થયો હતો. જન્મ સમયે રડી ન હોવાથી તેને સિવિલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને 9 દિવસ સારવાર હેઠળ રાખવામાં આવી હતી. ત્યાર બાદના 10 દિવસ પછી તા. 28-5-2021ના રોજ શરીર પર સોજા, તાવ અને યુરીનની સમસ્યા થતા સુરેન્દ્રનગર સિવિલ ખાતે દાખલ કરાઇ હતી. રિપોર્ટમાં બાળકીની કિડની પર સોજો હતો તથા સિરમ ક્રીએટીન લેવલ 4.03 ટકા જેટલુ હતું તેથી બાળકને રાજકોટ સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું.
માત્ર 20 દિવસની બાળકીને કોરોના પોઝિટિવ
વીસ દિવસની એ બાળકી લક્ષ્મીને સુરેન્દ્રનગરથી રાજકોટ સિવિલ ખાતે રીફર કરવામાં આવી. સિવિલ સર્જન ડૉ. આર.એસ.ત્રિવેદી તથા પિડિયાટ્રીક વિભાગના હેડ ડૉ. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ તે લક્ષ્મીની સત્વરે સારવાર શરૂ કરવામાં આવી. બાળકીને શ્વાસોચ્છવાસની તકલીફ હોવાથી તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. જેનું ડિ-ડાઈમર 1051 જેટલુ હતું તથા સુગર લેવલ 657 જેટલું હતું. તેથી તેને હાઈફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવી હતી. સારવાર દરમ્યાન ઈન્સ્યુલીન આપ્યા બાદ તેનું સુગર લેવલ ઘટવા લાગ્યું હતું. કિડની પરનો સોજો ઘટ્યો તથા સોડિયમનું લેવલ નોર્મલ થયું અને યુરીનની સમસ્યામાંથી છુટકારો થયો. તેને અપાયેલી હાઈફ્લો નોઝલ કેન્યુલા પરથી હટાવીને લક્ષ્મીને તેની માતાને સોંપવામાં આવી. તેને બ્રેસ્ટ ફિડીંગ આપવાથી તેની તબિયતમાં વધારે સુધારો થવા લાગ્યો.
7 દિવસની સઘન સારવાર બાદ બાળકી સ્વસ્થ
સાત દિવસની સારવાર બાદ લક્ષ્મી સંપૂર્ણ સ્વસ્થ થઈ, તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપવામાં આવી હતી, તેમ ડો. ભલગામિયાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલના પિડિયાટ્રીક વિભાગમાં અત્યાર સુધીમાં કુલ 191 જેટલા કોરોના સંક્રમિત બાળકોને સારવાર આપવામાં આવી છે. જેમાં પ્રથમ લહેરમાં ૧૨૮ જેટલા બાળકો તથા બીજી લહેરમાં 63 જેટલા બાળકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત, 12 જેટલા બાળકોને MSID- Multi system inflammatory disorderની સારવાર આપવામાં આવી છે.
બાળકીના માતાએ સિવિલ સ્ટાફનો હાર માન્યો
આ બાળકીના માતાએ જણાવ્યું છે કે, અમારી નાની બાળકીનું નામ લક્ષ્મી રાખ્યું છે. મારી લક્ષ્મીને ભારે તકલીફ થઈ ગઈ હતી એટલે સુરેન્દ્રનગરથી રાજકોટ સિવિલમાં લઈ ગયા હતા. ત્યાં સાત દિવસ રાખી અને એક પણ રૂપિયો લીધા વગર એને સાજી કરી દીધી. મારી છોકરી નાની છે તો એકલી ન રહે એટલે મને પણ અંદર એના ભેગી રહેવા દેતા હતા. મને અંદર જ ગરમ જમવાનું, ચા - નાસ્તો, આપી જતા હતા. મને અને મારી દિકરીને સારી રીતે રાખી. ભગવાન આ ડૉક્ટરોને સદાય સુખી રાખે.