રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધી જયંતીના અવસરે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ગાંધી મ્યુઝિયમના વિશેષ કવર અને પોસ્ટલ સ્ટેમ્પનું ઈ-અનાવરણ કર્યું છે. મુખ્યપ્રધાને વિશેષ પોસ્ટલ કવર સ્ટેમ્પ નું ઈ-અનાવરણ કરતાં મત વ્યક્ત કર્યો કે, વિશ્વ સમક્ષ ગાંધી શાશ્વત મૂલ્યો સાથે રાજકોટ અને ગાંધીજીના સંબંધોને આ કવર વધુ ઉજાગર કરશે.
વિજય રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે મહાત્મા ગાંધીએ રાજકોટમાં જે સ્થળે અભ્યાસ કર્યો હતો, તે આલ્ફ્રેડ હાઈસ્કૂલની જર્જરીત હાલતમાંથી હવે આપણે ગાંધી મ્યુઝિયમ તરીકે તેને વિશ્વકક્ષાના સ્મૃતિ મંદિર તરીકે પ્રસ્થાપિત કર્યું છે.
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, મહાત્મા ગાંધી સ્વચ્છતા, ગ્રામોત્થાન, મહિલા સશક્તિકરણ, અસ્પૃશ્યતા નિવારણ જેવા સિદ્ધાંતોથી આત્મનિર્ભરતાના હિમાયતી રહેલા હતા.