રાજકોટ: સમાજમા એક વિધવા તરીકે જીવુ એ આજની તારીખે પણ કષ્ટદાયી છે. તેમની સમસ્યાઓ અપાર હોય છે. સમાજને એ સમસ્યાઓ વિશે જાણવું અને જાગૃત થવું ખૂબ જરૂરી છે. કોરોના કાળમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને અને ગુમાવ્યા છે ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ પર આખું ઘર નિર્ભર હોય તેવી વ્યક્તિનું અવસાન થતા આખા ઘરની તેમજ તમામ સભ્યોની પરિસ્થિતિ બદલાઈ જાય છે. મનોવિજ્ઞાન ભવનમાં આવેલ અમુક કેસ અને વિધવા બહેનો સાથે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડો.ધારા આર.દોશીએ વાત કરી તેમની માનસિક અને સામાજિક સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો.જે સમસ્યાઓ બહેનોએ વ્યક્ત કરી તેનું વિશ્લેષણ અહીં કરવામાં આવ્યું છે.
આર્થિક સમસ્યાઓ
વિધવા બહેનોએ સહુથી મોટી સમસ્યા આર્થીક છે. ખાસ પતિએ પોતાની હયાતીમાં જે આર્થિક વ્યવસ્થાપન કર્યું હોય તેની કોઈ માહિતી તેમની પત્નીને આપી ન હોય કઈ જગ્યાએ કેટલું રોકાણ અથવા બચત વિશેની કોઈ જાણ બહેનો ને ન હોવાથી આર્થિક સમસ્યાઓ અનુભવતા જોવા મળ્યા. ખાસ કરીને ઘરમાં કમાનાર એક જ પુરુષ હોય તેમના મૃત્યુ પછી સ્ત્રીઓએ ખૂબ પડકારોનો સામનો કરવો પડ્યો. જેમ કે એક 31 વર્ષની બહેનના પતિનું મૃત્યુ કોરોનામાં થતા તેમના 3 બાળકોના ઉછેરની પુરી જવાબદારી તેમના પર આવતા આર્થિક ઉણપ ને કારણે બહેનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ બેંક વિશેની માહિતી બહેનોને ન હોવાથી, નોકરી કે વ્યવસાય ન હોવાથી, શિક્ષણનો અભાવ હોવાથી આર્થિક સમસ્યાઓ અનુભવતા જોવા મળ્યા.
કેસ સ્ટડી: વિધવા બહેનો કરી રહી છે કેટલીય સમસ્યાઓનો સામનો બાળકોના ઉછેર તથા લગ્નની સમસ્યા એવી બહેનો જેમના બાળકો મોટા કે યુવાન છે તેમને તેમના બાળકોને પરણાવવાની અને નાના બાળકોને ઉછેર તેમજ શિક્ષણની સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે. નાના બાળકોને ભણાવવા માટે ઉચ્ચ અભ્યાસ માટે પૈસા જરૂરી બની રહેતા હોય છે. બહેનોને બાળકોને ભણાવવા છે, લગ્ન કરાવવા છે પરંતુ જે સાથ સહકાર જોઈએ તે મળી શકતો નથી.
દેવું કે ઉધાર પૈસાની બાબતોથી અજાણ
પતિએ પોતાની હયાતીમાં કોઈ પાસે જો ઉધાર પૈસા લીધા હોય કે કોઈને પૈસા આપ્યા હોય તો તેની જાણ તેમની પત્ની ને ન હોતા લોકોના દબાણનો ભોગ બનવું પડે છે.
સામાજિક વિકારનો ભોગ
બહેનોએ જણાવ્યું કે એકલી હોવાના કારણે ઘણા લોકોની વિકૃત નજરનો ભોગ બનવું પડે છે. કોઈની અભદ્ર માંગણી, ઇશારાઓ સહન કરવા પડે છે. સતત એક ભય મનમાં રહ્યા કરે છે કોઈ પોતાની વાસનાનો શિકાર ન કરી બેસે.
આ પણ વાંચો : Big News: જમ્મુથી લઈને તમિલનાડુ, ગુજરાતથી લઈને બંગાળમાં ઉતરશે ભારતીય ફાઈટર જેટ
કુટુંબ દ્વારા પણ શોષણ
સગાઓ દ્વારા પણ ઘણી વખત શોષણનો ભય લાગ્યા કરે છે. જરૂરિયાત પૂરી કરવાના બહાને કોઈ ને કોઈ એવી વાતો કરવી જે સહન ન થઈ શકે તેનું ભોગ બનવું પડ્યું હતું.
માનસિક આઘાત અને તણાવ
સતત આ પરિસ્થિતિમાં રહેવાથી એક તણાવ અને આઘાત અનુભવાય છે. ક્યારે શુ થશે તેની બીક મનને સતત કોરી ખાતી હોય છે. બીજા લગ્ન કરવા ન કરવા નો સતત માનસિક સંઘર્ષ અનુભવાતો હોય છે
બાળકો કે ઘરના સભ્યો દ્વારા થતો અત્યાચાર
વિધવા બહેનોની સ્થિતિ ઘરમાં પણ દયનિય થઈ જતી જોવા મળતી હોય છે. ઘણા પરિણીત બાળકોને પોતાની વિધવા માતા એક બોજ સ્વરૂપ લાગે છે અને ખૂબ ઉદ્ધતાઈ વાળું વર્તન તેમની સાથે કરતા અચકાતા નથી. ઘરના સભ્યો પણ તેમની સાથે મારઝૂડ કરતા કે ઉદ્ધતાઈ કરતા અચકાતા નથી હોતા.
એકલતાનો અહેસાસ
જે બહેનોના પતિનું મૃત્યુ થયું તેમને સતત એક એકલતા કોરી ખાતી જોવા મળી. કોઈ એવી વ્યક્તિ ન મળી જે સમજી શકે અને સહિયારો આપે. ભૂતકાળની યાદો સતત મનમાં આવ્યા કરે
આધારીતતા
પતિના મૃત્યુ પછી આધારીતતા વધીગયાનો અહેસાસ થતો જોવા મળ્યો. કોઈ કામ માટે કોઈની મદદ લેવી જરૂરી બની રહી. સાસરે અને પિયર એક બોજ બની રહી ગ્યાનો અહેસાસ સતત અંદરથી ડંખતો રહે છે.
આ પણ વાંચો :ગ્રેનેડ બ્લાસ્ટના પગલે શામળાજી મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
અમુક કિસ્સાઓ
કિસ્સો 1
એક મહિલાએ કોરોનાને કારણે પોતાના પતિને ગુમાવ્યા છે તેમના બે બાળકો છે તે બહેને જણાવ્યું કે મારે એક મોટો દીકરો છે અને એક દીકરી સાતમા ધોરણમાં ભણે છે. દીકરો કોલેજના પહેલા વર્ષમાં છે. તેમણે જણાવ્યુ કે તેમના પતિના અવસાન બાદ તેની સાથે તેના દીકરા પર પણ ઘરની જવાબદારીનું ભારણ આવી ગયું. હવે તેઓ ઘરે બાળકોને ટ્યુશન ચલાવે છે તેમજ તેનો દીકરો પણ ભણવાની સાથે નાની એવી ઓનલાઇન નોકરી કરે છે. ઘરનું અર્થતંત્ર પહેલાં જે રીતે ચાલતું એ રીતે હવે ચાલી શકતું નથી પરંતુ બાળકો સમજદાર હોવાથી ઘર ખર્ચમાં તેમજ પોતાના શોખ પુરા કરવામાં થોડી તંગી મૂકી જાતે જ સમજી ગયા છે. પરંતુ મને એ વાતનો અફસોસ થાય છે અને હંમેશા રહેશે કે મારા બાળકોને હું અન્ય બાળકોની જેમ ઉછેરી નહીં શકુ અને જ્યારે મારા પતિ જીવતા હતા ત્યારે તેઓ બાળકોને જે રીતે શોખ પુરા કરતા હતા અને મારા શોખ પુરા કરતા હતા એ હવે હું નહીં કરી શકું.
કિસ્સો 2
એક બહેને કોરોનાને કારણે પોતાના પતિને ગુમાવ્યાં તેમને એક જ દીકરી છે અને એ પણ હજુ નાની છે. ઘરની પરિસ્થિતિ સામાન્ય હતી જેમાં તેમની અને તેમના પતિને બંનેને અને સાથે તેમના સસરાને પણ રહેતા હતા. કોરોનામાં દવાખાનાનો ખર્ચ વધારે પડતો થયેલો છતાં સગા સંબંધીઓએ સહકાર આપ્યો હતો. મારા પતિ નું અવસાન થયું. દવાખાનાંનો ખર્ચ અને અન્ય ખર્ચ માટે હાલ પરિસ્થિતિ એવી છે કે અમારે અમારી દુકાન વહેચી નાખવી પડી છે. મારા સસરા આ ઉંમરે કોઈ કામ નથી કરી શકતા. હું ઘરે સિલાઇકામ કરીને તેમજ સુશોભનની વસ્તુઓ બનાવી ઘર ચલાવું છું.
કિસ્સો 3
મારા પતિનું કોરોનાને કારણે અવસાન થયું છે. મારા સસરા 96 વર્ષના છે. મારા દીકરાને ઘરે પણ બે બાળકો છે. એમના અવસાન બાદ મારા સસરા ખૂબ જ નબળા પડી ગયા છે. એમને જીવતા જોત તેના દીકરાની અંતિમ યાત્રા જોઈ છે. આજે મારી ફરજ એ બમણી થઈ ગઈ છે. હવે મારે મારા પતિની અને મારી બંનેની જવાબદારી સંભાળવાની છે. આવી પરિસ્થિતિમાં બધાને સંભાળતા ક્યારેક સાવ એકલું લાગે છે પરંતુ જવાબદારી હોવાથી હસતા મોઢે બધું કરવું પડે છે. હમણાં એમના અવસાન ને 4 મહિના થઈ જશે પરંતુ હજુ માનવામાં નથી આવતું. ક્યારેક મગજ કામ કરતું બંધ થઈ જાય છે.
કિસ્સો 4
મારી ઉંમર 73 વર્ષ ની છે. મને અને મારા પતિને કોરોના થયેલો. અમે એક જ હોસ્પિટલમાં હતા. તેઓ મારા કરતાં પણ વધારે સ્વસ્થ હતા અને કોઈ બીમારી પણ ન હતી. છતાં તેઓ મને મૂકી ને જતા રહ્યા. અમે છેલ્લે સુધી સાથે હતા. હજુ પણ ક્યારેક ઊંઘ ઊડી જાય છે. મારો આખો પરિવાર મારી સાથે છે. બધા ખૂબ જ સારી રીતે રાખે છે. મારા ઘર માં ચાર પેઢી સાથે રહે છે. અને બધા ખૂબ સારી રીતે રાખે છે પરંતુ એ કમી તો કોઈ પૂરી ના જ કરી શકે.
જોઈએ છીએ સાથ અને સહકાર
- દરેક પુરુષે પોતાની પત્નીને પોતાના આર્થિક વહીવટની જાણ કરવી જરૂરી છે. જેથી અચાનક મૃત્યુ થતા પરિવારને બાળકોને કોઈ મુશ્કેલી ન થાય.
- બાળકોએ પોતાની માતાનું ખાસ ધ્યાન રાખવું. પતિની એકલતા કોઈ દૂર ન કરી શકે પણ સાથ સહકાર આપવો.
- માતા પિતાએ આજના સમયમાં દીકરીને થોડું ઘણું આર્થિક ઉપાર્જન થાય એ શિક્ષણ આપવું જેથી ભવિષ્યમાં દીકરીઓ એ કોઈ સામે હાથ લાંબો ન કરવો પડે.
- દરેક સ્ત્રીએ આત્મ જાગૃતિ કેળવવી જરૂરી છે.
- સ્ત્રીને માનની નજરે જોતા શીખવું જરૂરી છે.