- રાજકોટમાં યોજાઈ રેલી
- રેલીમાં કોરોનાથી સાવચેત રહેવા અપાયો મેસેજ
- કલેક્ટરે રેલીનું કરાવ્યું પ્રસ્થાન
રાજકોટઃ દિવાળીના આવનારા તહેવારોમાં કોરોના સંક્રમણથી સાવચેતી અર્થે જનહિતાર્થે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ તેમણે દિવાળી દરમિયાન કોરોનાથી સાવચેત રહેવા અંગે જણાવ્યું હતું.
રેલી પૂર્વે કોરોનાની ગાઈડલાઈનના પાલનના શપથ
આ રેલી પૂર્વે પંડ્યાએ ઉપસ્થિત જવાનોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર માસ્ક, દો ગજની દૂરી, વારંવાર હાથ સાફ કરવા તેમજ ઉકાળા દ્વારા રોગ-પ્રતિકારક શક્તિ વધારવાનું પાલન કરવા તેમજ અન્યને પાલન કરાવવાના શપથ લેવડાવ્યા હતા. જનજાગૃતિ રેલીમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) વડોદરા ટીમ, ૨ ગુજરાત બટાલિયન NCCના કેડેટ્સ, મહાનગર પાલિકાના ફાયર વિભાગના જવાનો તેમજ 108ની ટીમ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા.
શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી રેલી
ઓરેન્જ, ખાખી અને બ્લુ કલરમાં સજ્જ જવાનો હાથમાં રંગબેરંગી પ્લે કાર્ડ અને કોરોના જાગૃતિના ગીત સાથે આ રેલી જિલ્લા કલેક્ટર કચેરીથી પ્રસ્થાન થયા બાદ રેસકોર્સ રિંગ રોડ થઈ ફરી લોકોને સાવચેતીનો મેસેજ પાસ કર્યો હતો. આ પ્રંસગે વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.