જૂનાગઢઃ ઘેડ પંથકમાં ગત કેટલાક દિવસોથી અતિભારે વરસાદ પડવાને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે શુક્રવારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા.
જૂનાગઢઃ ઘેડ પંથકના ખેડૂતો પૂરના પાણીથી આજે પણ પરેશાન - પરેશ ધાનાણી જૂનાગઢની મુલાકાતે
ઘેડ પંથક પર કુદરતે વરસાવેલું હેત હવે કહેર બની રહ્યું છે. આ વિસ્તારની મોટાભાગની ખેતીલાયક જમીન ગત 15 દિવસથી દરિયા માફક જોવા મળી રહી છે, ત્યારે ટીનમસ, બામણાસા સહિતના અસરગ્રસ્ત ગામોના ખેડૂતો સરકાર પાસે જાત નિરીક્ષણ કરાવીને નુકસાનીની સહાય ચૂકવવા માગ કરી રહ્યા છે.
વિરોધ પક્ષના નેતા પાસે ખેડૂતો વધુ વરસાદ થવાથી કેશોદ, માંગરોળ, માણાવદર, બાટવા સહિતના ઘેડ વિસ્તારના ગામોમાં જગતનો તાત ચોતરફથી નિ:સહાય હોવાની હૈયાવરણ ઠાલવી રહ્યા છે. આ સાથે જ ખેડૂતો સરકાર તરફથી તાકીદે સહાય આપવામાં આવે તેવી મીટ માંડીને બેઠા છે.
ઘેડ પંથકના ટીનમસ, બામણાસા, બાલાગામ સહિતના ગામોમાં ભારે તારાજ થયું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ટીનમસ નજીકથી પસાર થતી ઓજત નદીનો પાળો તૂટી જતા હજારો વીઘા ખેતીલાયક જમીન વરસાદી પાણીની સાથે તણાઈ ગઈ છે અને તેની જગ્યા પર નદીની રેતી જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં હજારો વીઘા ખેતીલાયક જમીન આગામી દિવસોમાં બિન-ઉપજાઉ બને તેવું પણ લાગી રહ્યું છે, ત્યારે ખેડૂતોનો ચોમાસુ પાક સદંતર વરસાદના પાણીમાં ધોવાઈ ગયો છે.