- જૂનાગઢની સરકાર માન્ય સનરાઇઝ પ્રાથમિક શાળા થશે બંધ
- ભાડાના મકાનમાં ચાલતી સનરાઇસ પ્રાથમિક શાળા આર્થિક રીતે નહી પહોંચી વળતાં સંચાલક મંડળે કર્યો નિર્ણય
- કોરોના સંક્રમણ કાળની અસરો શિક્ષણ બાદ શૈક્ષણિક સંસ્થાઓ પર પણ જોવા મળી
જૂનાગઢ: કોરોના સંક્રમણ કાળમાં એક પછી એક વિપરીત અસરો ધીમે-ધીમે સામે આવી રહી છે. જૂનાગઢમાં આવેલી સનરાઈઝ સરકાર માન્ય ખાનગી શાળા આગામી નવા સત્રથી બંધ કરવાનો નિર્ણય શાળા સંચાલક મંડળે કર્યો છે. જેની જાણ શિક્ષણ વિભાગની કચેરીને પણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની સતત ગેરહાજરી અને શાળાનું વ્યવસ્થાપન ચલાવી શકાય તેટલા પ્રમાણમાં નાની અને મધ્યમ શાળાઓ બંધ થઈ રહી છે. તો કેટલીક શાળા બંધ થવાની કગાર પર જોવા મળી રહી છે.
સનરાઈઝ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની અછત
પાછલા એક વર્ષથી કોરોનાનું સંક્રમણ અજગરી ભરડો લઇ રહ્યું છે. જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લાખોની સંખ્યામાં વ્યક્તિઓ બેરોજગાર બન્યા છે. હજારોની સંખ્યામાં રોજગારીનું સર્જન કરતી સંસ્થાઓ પણ મૃતપાય બની ગઈ છે. જૂનાગઢના જવાહર રોડ પર આવેલી સનરાઈઝ સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓની અછત તેમજ શાળાને ચલાવવા માટે પડી રહેલી આર્થિક મુશ્કેલીઓને ધ્યાને રાખીને સંચાલક મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખીને તેમની શાળા જૂન મહિનાના નવા સત્રથી બંધ કરવાનો પત્ર પાઠવ્યો છે. ત્યારે કોરોના કાળમાં શિક્ષણ બાદ હવે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ થવા તરફ આગળ વધી રહી છે.