જૂનાગઢ : આગામી દિવસોમાં સાસણ દેવળીયા અને આંબરડી સફારી પાર્ક અંદાજીત 35 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવા રંગ અને રૂપ ધારણ કરશે. આ ત્રણેય સફારી પાર્કને આધુનિક બનાવવા માટે રાજ્ય સરકારના પર્યટન વિભાગ દ્વારા એક્શન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. જેની પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ ઇટીવી ભારત સમક્ષ કરેલી વાતચીતમાં સમગ્ર પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી.
સમગ્ર એશિયામાં અને એકમાત્ર ગીરના જંગલોમાં જોવા મળતા વનરાજોના અંતિમ નિવાસસ્થાન સાસણ દેવળીયા અને આંબરડી સફારી પાર્ક તેમજ ગીરના વિકાસને લઇને રાજ્ય સરકારના પર્યટન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પર્યટકોને આકર્ષિત કરી શકાય તેવા અનેક વિધ નવા પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ગીર, સાસણની સાથે અમરેલીનું આંબરડી સફારી પાર્ક પણ વિશ્વના નક્શામાં જોવા મળશે. પરિણામે આ વિસ્તારને પર્યટન થકી રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થશે. જેનો સીધો લાભ અહીંના સ્થાનિક લોકોને રોજગારીથી મળશે.
આગામી દિવસોમાં સાસણ દેવળિયા અને આંબરડી સફારી પાર્ક ધારણ કરશે નવા રંગ અને રૂપ આજે સમગ્ર વિશ્વમાં પર્યટન એકમાત્ર વિદેશી હુંડીયામણ કમાવી આપનાર ક્ષેત્ર છે. ત્યારે સમગ્ર એશિયામાં અને ગીરના જંગલોમાં જોવા મળતા જંગલના રાજા સિંહને જોવા માટે સમગ્ર વિશ્વના લોકો સાસણગીરની મુલાકાતે આવતા હોય છે. ત્યારે અહીં આવતા પ્રત્યેક પર્યટકો વધુ સારો અનુભવ કરી શકે તે માટે સિંહ સદન ખાતે વિશેષ સુવિધાઓ ઊભી કરવાનું આયોજન પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
અહીં બાળકો માટે નેચર પાર્ક અને વડીલો માટે વોક-વેની સાથે શરીરને ફાયદાકારક ઔષધિઓ અને તેનું જ્ઞાન મળી રહે તેવું વિશેષ આયોજન પણ રાજ્ય સરકારના પર્યટન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં યુવાઓ માટે સનરાઈઝ અને સનસેટ પોઇન્ટની સાથે રેસ્ટોરન્ટ, ગુજરાતી દાંડિયા અને સાસણનું વિશ્વ પ્રસિદ્ધ ધમાલ નૃત્ય વિશ્વના પર્યટકોને આકર્ષિત કરી શકે તે માટેના આયોજન રાજ્ય સરકારના પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે આગામી થોડા સમયમાં પૂર્ણ થયે ગીરનું પર્યટન વધુ વેગવંતુ બનતું જોવા મળશે.