- શ્રાદ્ધ પક્ષમાં દામોદર કુંડનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે
- અહીં ભગવાન શ્રીકૃષ્ણનું પિડદાન અને નરસિંહ મહેતાના પિતાનું દામોદરજી દ્વારા થયું હતું શ્રાદ્ધકર્મ
- ધાર્મિક દ્રષ્ટિએ પિતૃતર્પણ માટે આજે પણ દામોદર કુંડને માનવામાં આવે છે અતિ પવિત્ર
જૂનાગઢઃ ગિરિ તળેટીમાં આવેલો દામોદર કુંડ ભગવાન શ્રીકૃષ્ણના પિંડદાનનો સાક્ષી બન્યો છે. ત્યારે આ જ દામોદર કુંડમાં ભગવાન દામોદર જી દ્વારા નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ત્યારે અતિ પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના દામોદર કુંડમાં શ્રાદ્ધપક્ષ દરમિયાન ભાવિકો પોતાના પિતૃઓનું તર્પણ કરીને ધન્યતા અનુભવે છે.
દામોદર કુંડમાં શ્રાદ્ધ પક્ષને લઇને ભીડ
હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં ભાવિકો ઉમટી રહ્યાx છે. દામોદર કુંડના પ્રાચીન ઇતિહાસ તરફ એક નજર નાખીએ તો ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન તેમ જ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ભગવાન દામોદરજીએ સ્વયં કર્યું હોવાની ધાર્મિક માન્યતા છે. યુગોથી દામોદર કુંડે પિતૃતર્પણ વિધિ તેમ જ પિંડદાન માટે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આવતાં રહ્યાં છે. અહીંના ઘાટ પર પીપડે જળ ચડાવી પોતાના પિતૃઓનું તર્પણ કરવામાં આવી રહ્યું છે. દામોદર કુંડ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે ત્યારે અહીં કરવામાં આવેલી પિંડદાન વિધિ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
નાનજી કાળીદાસ મહેતાથી લઈને ગોંડલ અને ભાવનગરના મહારાજની પણ દામોદર કુંડે થઈ છે તર્પણ વિધિ
આ દામોદર કુંડમાં પોરબંદરના શેઠ નાનજી કાલિદાસ મહેતા, પોરબંદરના મહારાણી રૂપાળીબા સહિત ભાવનગર, લખતર, જસદણ, ગોંડલના મહારાજાઓના પરિવારો દ્વારા પણ પિતૃતર્પણ વિધિ કરવામાં આવી હોવાના પુરાવાઓ જોવા મળે છે. તેમ જ ચલાલા દાન ભગત અને કવિ કલાપીના તર્પણ અને પિંડદાન વિધિ પણ તેમના પરિવાર દ્વારા અહીં કરવામાં આવી છે. ત્યારે હાલ પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દામોદર કુંડે આવીને પોતાના પિતૃઓનું તર્પણ કરી તેમને મોક્ષ માર્ગ મળે તે માટે પ્રાર્થના કરતા જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચોઃ સરામણ એટલે કે માથે મુંડન કરાવીને કરવામાં આવતી પિતૃતર્પણ વિધિ અને શ્રાદ્ધ પિતૃઓ સુધી પહોંચતું હોવાની ધાર્મિક પરંપરા