જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 12 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ - જૂનાગઢ APMCની ચૂંટણી
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની 10 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો પર શુક્રવાર સવારે 9 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખેડૂત વિભાગની 10 બેઠકો પર 19 ઉમેદવારો અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો પર ત્રણ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેને નોંધાયેલા 1133 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આગામી સમયમાં જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું સુકાન સોપશે મતદાન પૂર્ણ થયા બાદ 17 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
જૂનાગઢ : જિલ્લાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર 19 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેને 977 જેટલા ખેડૂત મતદારો મત આપીને જૂનાગઢ APMCમાં તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટશે. બીજી તરફ ખરીદ વેચાણ સંઘની બે બેઠકો પર ત્રણ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેને પણ 156 જેટલા મતદારો મત આપીને ખરીદ વેચાણ સંઘમાં પોતાના ડિરેક્ટર તરીકે ચૂંટશે. સમગ્ર મતદાન પ્રક્રિયાને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીની પ્રક્રિયા આગળ વધી રહી છે. જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે અને 17 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.