જૂનાગઢઃ કોરોના વાઇરસના કહેર વચ્ચે આગામી રવિવાર અને 5 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાનો તહેવાર આવી રહ્યો છે, પરંતુ હાલના સમયમાં કોરોના વાઇરસને કારણે જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમ અને ગોરખનાથ આશ્રમ સહિત તળેટીના મોટાભાગના આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી રદ કરવામાં આવી છે. પ્રાચીન કાળથી ભવનાથમાં આવેલા આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી થતી આવી છે, જે આ વર્ષે નહીં કરવાની જાહેરાત આશ્રમના મહંતોએ કરી છે.
ગત વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે એક લાખ કરતા વધુ ભક્તોએ ગુરુગાદીના દર્શન કરીને ગુરુ પૂજનનું પાવનકારી પર્વ ઉજવ્યું હતું. આ ઉપરાંત ગત વર્ષે યોજવામાં આવેલા ભોજન પ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, પરંતુ આ વર્ષે ભવનાથની ગીરી તળેટીમાં આવેલા મોટા ભાગના આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે નહીં.
આ અંગે આશ્રમના મહંતોએ શિષ્યોને પોતાના ઘરેથી જ ગુરુનું પૂજન કરવા વિનંતી કરી છે.
ગુરુ અને શિષ્યની પરંપરાનું પર્વ એટલે ગુરુ પૂનમનું પર્વ, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના કહેર વચ્ચે ભવનાથમાં આવેલા મોટાભાગના આશ્રમોમાં ગુરુ પૂનમના પર્વની ઉજવણી રદ કરવામાં આવી છે. જેથી ગુરુ અને શિષ્ય વિનાનો ગુરુ પૂનમનો આ પર્વ થોડો ફીકો જોવા મળશે.