- જૂનાગઢ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓનું ભવિષ્ય બની રહ્યું છે ઉજ્વળ
- ખાનગી શાળાના અભ્યાસ કરતા વધુ વિદ્યાર્થીઓ હવે સરકારી શાળામાં લઈ રહ્યા છે પ્રવેશ
- આ વર્ષે અંદાજિત બે હજાર કરતાં વધુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવશે
જૂનાગઢ : જિલ્લામાં ચાલુ વર્ષે સરકારી શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળા ( Government Primary School )માં 1000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. એક અંદાજ મુજબ આગામી કેટલાક સમયમાં વધુ કેટલાક વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવી રહ્યા છે. ગત એક વર્ષથી જે પ્રકારે કોરોના સંક્રમણને કારણે વાલીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે હજાર કરતાં વધુ બાળકોના વાલીઓએ પોતાના સંતાનને ખાનગી શાળામાં મોકલવાની જગ્યા પર સરકારી શાળામાં શિક્ષણ મેળવવા માટે એડમિશન કરાવી રહ્યા છે.
ગત વર્ષની પરેશાની અને પળોજણને કારણે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા
ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે આખા વર્ષ દરમિયાન શાળાઓ બંધ રાખવામાં આવી હતી. મોટા ભાગનું શિક્ષણ ઓનલાઇન બનાવવામાં આવ્યું હતું. આવા કપરા સમયમાં પણ ખાનગી શાળા સંચાલકોએ વાલી પાસેથી ફી તેમજ શાળાની અન્ય ગતિવિધિઓ માટે શારીરિક, માનસિક અને આર્થિક રીતે જે પરેશાનીઓ ઉભી કરી હતી, તેને ધ્યાને રાખીને ચાલુ વર્ષે વાલીઓ પોતાના સંતાનને સરકારી શાળાઓમાં અભ્યાસ માટે એડમિશન કરાવી રહ્યા છે. ગત વર્ષનો વાલીઓનો ખાનગી શાળાઓનું વર્તન અને તેમની મનમાનીનો જે કડવો અનુભવ થયો છે, તેનો સીધો લાભ સરકારી પ્રાથમિક શાળાઓ ( Government Primary School )ને ચાલુ વર્ષે થતો જોવા મળી રહ્યો છે. વાલી ખાનગી શાળામાંથી પોતાના સંતાનોના નામ કમી કરાવીને સરકારી પ્રથામિક શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે.