- મગફળીમાં ટેકાના ભાવ અને કપાસમાં રોગ જીવાતની મુશ્કેલીભરી પરિસ્થિતિ
- કપાસ જેવી પરંપરાગત ખેતીની જગ્યાએ થઈ રહી છે ફળ પાકોની ખેતી
- ફળ પાકોને કૃષિ વૈજ્ઞાનિકો પણ આવકારી રહ્યાં છે
જૂનાગઢના ખેડૂતો કપાસની પરંપરાગત ખેતીને બદલે ફળોની ખેતી તરફ વળ્યાં
ખેડૂતો પારંપારિક ખેતી છોડીને ફળ પાક તરીકે અન્ય ખેતી અપનાવી રહ્યાં છે તેને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધ્યાપકો પણ આવકારી રહ્યાં છે. જે વળતર તેલીબિયાં, કઠોળ અને ધાન્ય સહિત અન્ય પાકોમાં મળે છે. તેના કરતા સારું વળતર ફળ પાકોમાં મળવાની શક્યતા ખૂબ જ પ્રબળ હોય છે. તે પણ ટુંકા ગાળાની ખેતીમાં અને સાથે ખેતી ખર્ચ પણ ખૂબ જ મામૂલી જોવા મળે છે.
જૂનાગઢઃ જિલ્લાના કેટલાક પ્રગતિશીલ ખેડૂતો ફળ પાકની ખેતી તરફ વળી રહ્યાં છે. સામાન્ય સંજોગોમાં સોરઠ વિસ્તારમાં મગફળી, કપાસ, ધાન્ય અને કેટલાક કઠોળ પાકોનું વાવેતર થતું હોય છે. પરંતુ મગફળીમાં બજારભાવને લઈને દર વર્ષે સર્જાઈ રહેલી મુશ્કેલીઓ તેમજ કપાસમાં રોગ જીવાતના ઉપદ્રવની સામે ખૂબ ઓછું આર્થિક વળતર મળતાં હવે જૂનાગઢનો ખેડૂત ફળ પાક તરફ વિચારી શકે છે. ખેડૂતો ફળ પાક તરીકે પપૈયાનું વાવેતર કરીને સારું આર્થિક વળતર ટૂંકાગાળામાં મેળવી રહ્યાં છે.
● પરંપરાગત ખેતીમાં તેલીબીયાં અને અન્ય પાક લેવામાં પળોજણનો અનુભવ
જૂનાગઢ અને ખાસ કરીને સોરઠ પંથકમાં મગફળી કપાસ તેલીબિયા અને અન્ય ધાન્ય પાકોની ખેતી વર્ષોથી પરંપરાગત રીતે થતી જોવા મળે છે. પરંતુ મગફળીમાં બજાર ભાવોને લઇને સર્જાઈ રહેલી અનેક મુશ્કેલીઓ તેમ જ કપાસમાં રોગ જીવાતનો ઉપદ્રવ તેમજ અન્ય પાકો માટે આબોહવા અને વાતાવરણ અનુકૂળ નહીં આવતાં ખેડૂતો ખુબ મોટું આર્થિક નુકસાન કરી રહ્યાં હતાં. ત્યારે તમામ પ્રકારની પળોજણમાંથી મુક્તિ મળે તે માટે પ્રગતિશીલ ખેડૂતો ફળ તરફ આગળ વધ્યાં છે અને પપૈયાનું વાવેતર કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં સારું આર્થિક વળતર પણ મેળવી રહ્યાં છે.