જૂનાગઢ: ગીરના સિંહની દહાડ સદનના ઉપલા ગૃહ રાજ્યસભામાં જોવા મળી હતી. ગુજરાતથી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેડિયો કોલરને લઈને સવાલો ઉભા કર્યા હતા. તેમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, રેડિયો કોલર લગાવવાથી સિંહોની પ્રાકૃતિક દિનચર્યા પર ખૂબ મોટી અડચણ ઉભી થઈ છે. ઉપરાંત રેડિયો કોલરથી કેટલાક સિંહોના મોત પણ થયા છે. આ મામલો રાજ્યસભામાં ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે. કારણકે, સમગ્ર એશિયામાં અને એકમાત્ર ગુજરાતના ગીરમાં જ સિંહ જોવા મળે છે. વધુમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે, વનવિભાગના અધિકારીઓએ સિંહબાળ જેવા પ્રાણીઓને પણ રેડિયો કોલર લગાવી આપ્યા છે. આવા પ્રાણીઓ રેડિયો કોલર સાથે અનુકૂલન સાધી શકતા નથી ત્યારે આ ઘટના ગંભીર અને ચર્ચા માંગી લે તેવી છે.
સિંહને રેડિયો કોલર લગાવવાના મુદ્દેે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યા પ્રશ્નો, વનવિભાગે આપ્યો રદિયો - સ્પેશીયલ સ્ટોરી
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સિંહોને લગાવવામાં આવતા રેડિયો કોલરને લઇને સવાલો ઉભા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રેડિયો કોલર ગીરના સિંહોને અનુકૂળ આવી રહ્યા નથી. કેટલાક કિસ્સાઓમાં આ રેડિયો કોલરથી સિંહોના મોત પણ થઈ રહ્યા છે. રેડિયો કોલર લગાવવાને કારણે સિંહો અપ્રાકૃતિક અડચણ અનુભવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો સિંહબાળને પણ વનવિભાગ રેડિયો કોલર લગાવી તેના પર ત્રાસ ગુજારી રહ્યા છે. આ અંગે ઇટીવી ભારતે વનવિભાગના મુખ્ય વનસંરક્ષક ડૉ. ડી. ટી. વસાવડા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે આ આ સવાલોને પાયાથી નકાર્યા હતા.
સમગ્ર મામલાને લઈને ઇટીવી ભારતની ટીમે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને હકીકત શું છે અને શક્તિસિંહ ગોહિલના સવાલો કેટલાક ગંભીર છે તેને લઈને ચર્ચાઓ કરી હતી. જેમાં વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રેડિયો કોલર લગાવવાની તમામ પ્રક્રિયા ભારત સરકાર દ્વારા પૂર્વ મંજૂરી આપ્યા બાદ નિર્ધારિત કરેલા કાર્યક્રમ મુજબ જ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેડિયો કોલરથી કોઈપણ સિંહને હજુ સુધી કોઈ મુશ્કેલી આવી હોય તેવી ઘટના સામે આવી નથી. ત્યારે રેડિયો કોલરથી સિંહોના મોત થયા છે તેવી વાતને સ્વીકારવી ખૂબ જ અઘરી બાબત છે.