- લોકોના કામ કરવા માટે આપમાં જોડાયાનો પુર્વ ભાજપ પ્રમુખનો મત
- ભાજપ છોડીને આપમાં શામેલ થયેલા ચેતન ગજેરાએ ETV ભારત સાથે કરી વાતચીત
- અત્યાર સુધી ભાજપની સેવા કરી હવે લોકોની સેવા કરીશું
જૂનાગઢ: શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે બે દિવસ પહેલા ચેતન ગજેરાએ રાજીનામું આપીને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેને લઈને આજે શનિવારે જૂનાગઢ સ્થિત પક્ષના કાર્યાલય ખાતે ચેતન ગજેરાએ ભાજપ છોડવાને લઈને ખુલ્લા મને ETV ભારત સમક્ષ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, અત્યાર સુધી સંગઠનમાં રહીને ભાજપની સેવા કરી છે. હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇને લોકોની સેવા કરવા માટે નવી રાજકીય સફરની શરૂઆત કરી છે.
આ પણ વાંંચો :જૂનાગઢ શહેર યુવા ભાજપ પ્રમુખ અને SC મોરચાના સક્રિય કાર્યકરો AAPમાં જોડાયા
આગામી દિવસોમાં હજુ પણ અનેક કાર્યકરો આપમાં જોડાશે તેવો કર્યો દાવો
ચેતન ગજેરાએ વધુમાં જણાવ્યું હતું કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો વિકલ્પ બની ચૂકેલું ભાજપ લોકસેવાના ઉદ્દેશ્યથી દૂર જઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પક્ષમાં રહેવું તેમના માટે યોગ્ય નહીં જણાતા તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. વધુમાં ચેતન ગજેરાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં હજુ પણ ભાજપના પાયાના અને ચુસ્ત કાર્યકરો જે પક્ષથી નારાજ ચાલી રહ્યા છે અથવા તો ભાજપે તેમને ઉપેક્ષિત રાખ્યા છે, તેવા તમામ કાર્યકરો તેમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે.