સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુલાબી ઈયળે હાહાકાર મચાવ્યો હોય તેવા દ્રશ્યો દરરોજ સામે આવી રહ્યાં છે. ગુલાબી ઈયળના આક્રમણના પગલે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લામાં ગુલાબી ઈયળે કપાસના પાકને નષ્ટ કર્યો છે. જેને, કારણે હવે ખેડૂતો તેમના ખેતરમાંથી કપાસનો પાક દૂર કરી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકોએ પણ ગુલાબી ઇયળને લઈને ખેડૂતોને સલાહ આપી છે. ખેડૂતો દ્વારા જો કપાસની વાવણીના પૂર્વે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે સૂચવેલા પગલાનો અમલ કરવામાં આવે તો ગુલાબી ઈયળના આક્રમણને મોટાભાગે નાથી શકવામાં ખેડૂતોને સફળતા મળી શકે છે.
સાવચેતી જ ગુલાબી ઈયળનું નિયંત્રણ: કૃષિ વૈજ્ઞાનિક - ગુલાબી ઈયળના કાબુ માટે શું કરવું
જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ સહિત જિલ્લામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળે આક્રમણ કર્યું છે. જેને કારણે કપાસનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે. ગુલાબી ઈયળના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સાવચેતી રાખવા સલાહ આપી છે. ગુલાબી ઈયળનું નિયંત્રણ કપાસની વાવણી પૂર્વે કરવામાં આવે તો નિયંત્રણ કરી શકાય છે, પરંતુ એક વખત ઈયળનું આક્રમણ થઈ જાય તો મોટેભાગે તેના પર કાબુ મેળવવો નિષ્ફળ બને છે.
ગુલાબી ઈયળને કપાસના કેન્સર સાથે સરખાવવામાં આવે છે. આ ઈયળનું એકવાર ખેતરમાં આક્રમણ થઈ જાય તો કપાસનો પાક નષ્ટ થાય ત્યાં સુધી ખેડૂતોને તેની જાણ થતી નથી, માટે ખેડૂતોને કપાસ વાવણીના પૂર્વે જ ઈયળના નિયંત્રણ માટે સૂચવવામાં આવેલા તકેદારીના પગલાં ભરવાની કૃષિ વૈજ્ઞાનિકો સલાહ આપી રહ્યાં છે. ઈયળ કપાસમાં પ્રવેશ કરી જાય ત્યારબાદ તેના પર મોટેભાગે કોઇ પણ પ્રકારની જંતુનાશક દવાની અસર થતી નથી. આ ઈયળ કપાસના જીંડવાને અંદરથી કોરી ખાઈને સમગ્ર પાક નષ્ટ કરી નાખે છે. ખેડૂતો કપાસની વાવણીની પૂર્વે જ જો તકેદારીની સાથે થોડીક ગંભીરતા દાખવે તો ઈયળના આક્રમણને સંપૂર્ણપણે નાશ કરવામાં સફળતા મળી શકે છે. ગત બે-ત્રણ વર્ષથી કપાસમાં જોવા મળતી. આ ગુલાબી ઈયળ હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે આગળ વધી રહી છે, જે ચિંતાનો વિષય છે. એક વખત ઈયળ પર નિયંત્રણ થઈ જાય તો તેના ફેલાવા ઉપર કાબૂ મેળવી શકાય છે, પરંતુ સમગ્ર મામલામાં ખેડૂતોની તકેદારી જ ગુલાબી ઈયળનુ નિયંત્રણ છે. તેવું કૃષિ વૈજ્ઞાનિકો પણ માની રહ્યાં છે.