જૂનાગઢના વંથલી નજીક બિરાજી રહ્યાં છે ભયંકરનાથ મહાદેવ, ભક્તોની આસ્થાનું કેન્દ્ર - મહાદેવ મંદિર
જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલું ભયંકરનાથ મહાદેવનું મંદિર શિવભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રાચીન સમયમાં અતિ દુર્ગમ વિસ્તારમાં પાંડવો દ્વારા મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આ મહાદેવ ભયંકરનાથ મહાદેવ તરીકે આજે પણ તેમના ભક્તજનોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યાં છે.
જૂનાગઢઃ સોમનાથ, વૈજનાથ, પશુપતિનાથ, ભૂતનાથ, ભવનાથ, માંગનાથ, બિલનાથ, કાશી વિશ્વનાથ આ બધા નામો દેશમાં આવેલા શિવાલયોના છે. પરંતુ આજે અમે આપને એક એવા નાથ વિશે જાણકારી આપવા જઈ રહ્યાં છીએ, જેનું નામ સાંભળીને પ્રથમ આપને આંચકો જરૂર લાગશે. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક શાપુર ગામમાં ભગવાન ભયંકરનાથ ૫૦૦ કરતા વધુ વર્ષોથી બિરાજી રહ્યાં છે. ભયંકરનાથ નામ સાંભળીને નવાઈ લાગીને, પણ આ ભયંકરનાથ આજે પણ અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી સિવાય સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભગવાન ભયંકરનાથના ભક્તો અહીં શિશ ઝૂકાવીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરતાં હોય છે.