જૂનાગઢઃ શહેરમાં આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સિંહોના બ્રિડિંગ માટે સમગ્ર વિશ્વમાં આજે પણ અવ્વલ જોવા મળે છે. સમગ્ર એશિયામાં માત્ર જૂનાગઢ, અમરેલી અને ગીર વિસ્તારના જંગલોમાં જોવા મળતા સિંહને સુરક્ષિત અને તેની સંતતિમાં વધારો થાય તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહોના બ્રિડિંગ સેન્ટરને સફળતા મળતા અહીં સિંહોની સંતતિનું સતત અવતરણ થતું જોવા મળી રહ્યું છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લોકડાઉન દરમ્યાન 6 સિંહણોએ 21 જેટલા તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો છે. જે પૈકી 3 સિંહ બાળનું બીમારીને કારણે મોત થયું છે, જ્યારે અન્ય 18 સિંહ બાળ તંદુરસ્ત હાલતમાં જોવા મળી રહ્યાં છે. જેથી આ સિંહ બાળને થોડા મહિનાઓમાં જંગલના વાતાવરણમાં મુક્ત કરવા અંગે વનવિભાગ વિચારી શકે છે.