- વધુ એક વખત રાજુલા-પીપાવાવ રેલવે માર્ગ સિંહો માટે બન્યો એક્સિડન્ટ ઝોન
- શેત્રુંજી ડિવિઝનના નાયબ વન સંરક્ષક નિશા રાજે સમગ્ર અકસ્માતની પુષ્ટિ કરી
- ટ્રેન અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સિંહને સારવાર માટે જૂનાગઢ ખસેડાયો
રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહ ઈજાગ્રસ્ત - ગુજરાત સમાચાર
અમરેલીનાં રાજુલા નજીક ઉચૈયા પાસેના ફાટક પર વહેલી સવારે માલગાડીની અડફેટે આવી જતા એક સિંહને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ વન વિભાગને થતા વન વિભાગે સિંહને જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
જૂનાગઢનાં રાજુલા પાસે ટ્રેનની અડફેટે સિંહ ઈજાગ્રસ્ત
અમરેલી: રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક વધુ એક વખત સિંહો માટે કમનસીબ સાબિત થયો છે. વહેલી સવારે રાજુલા નજીક ઉચૈયા ગામના ફાટક નં.15 પાસેથી રેલવે લાઇન ક્રોસ કરી રહેલા એક સિંહને પસાર થતી માલગાડીએ અડફેટે લીધો હતો. જેમાં સિંહને ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ વન વિભાગને થતાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઈજાગ્રસ્ત સિંહને વધુ સારવાર માટે જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં મોકલી આપ્યો છે.
ટ્રેનની અડફેટે સિંહ આવી ચડતાં સિંહ પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક વર્ષોમાં ટ્રેન અને માર્ગ અકસ્માતમાં સિંહોના થઈ રહેલા મોતને લઈને સિંહ પ્રેમીઓ પણ હવે રોશની સાથે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પાછલા સાતેક વર્ષમાં રાજુલા અને ઉનામાં આવેલા રેલવે ટ્રેક અને માર્ગ અકસ્માતમાં 12 કરતાં વધુ સિંહોના અકસ્માતે મોત થયા હતા. આજથી પાંચેક વર્ષ પૂર્વે ઉના નજીક માર્ગ અકસ્માતમાં એક સાથે ત્રણ જેટલા સિંહ બાળનાં મોત નિપજ્યા હોવાની ઘટના પણ સામે આવી હતી. ત્યારે વહેલી સવારે ફરી એક વખત રેલ્વે ટ્રેક સિંહો માટે મોતનું કારણ બનીને સામે આવ્યો છે.
અકસ્માતોની સંખ્યા ઘટાડવા વન વિભાગ પગલાં લે તેવી માગ
સદ્દનસીબે હજુ સુધી સિંહનું મોત થયું નથી, પરંતુ ટ્રેન અકસ્માતમાં સિંહ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સિંહોના અકસ્માતને ઘટાડવા માટે વનવિભાગ તાકીદે કોઈ પગલા ભરે તેવી માંગ પણ હવે આગામી દિવસોમાં થતી જોવા મળશે. પરંતુ પાછલા સાત વર્ષનો ઈતિહાસ જોઈએ તો સિંહોના અકસ્માત બાદ કોઇ નોંધપાત્ર કામગીરી ખાસ કરીને રેલવે ટ્રેક પર થતા અકસ્માતોને લઈને હજુ સુધી જોવા મળી નથી.
Last Updated : Feb 16, 2021, 4:50 PM IST