- મહેસૂલ પ્રધાને જામનગર જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી
- મહેસુલ, સિંચાઈ, ગ્રામ વિકાસ, પંચાયત તથા જમીનને લગતી રજૂઆતો કરાઇ
- પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું
જામનગર :શહેરના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના અધ્યક્ષ સ્થાને સાંસદ પૂનમ માડમ તેમજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં પ્રધાને ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા લોકહિતના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તથા સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પ્રધાને જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લાના મહેસુલ, સિંચાઈ, ગ્રામ વિકાસ, પંચાયત તથા જમીનને લગતી રજૂઆતો પરત્વે પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
કોરોનાની સ્થિતિ જાણી અને વેક્સિનેશનની કામગીરી વિશે માહિતી મેળવી
પ્રધાને જામનગર જિલ્લાની કોરોનાની સ્થિતિ તેમજ હાલ ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી વિશે પણ માહિતી મેળવી હતી. તેમજ કોરોનાને પહોંચી વળવા રાજ્ય સરકાર તમામ મોરચે સજ્જ છે તેમ જણાવ્યું હતું. પ્રધાને આ તકે જણાવ્યુ હતુ કે, પ્રજાની સુખાકારીમાં વધારો કરી શકે તેવા અગત્યના પડતર કામો તથા પ્રશ્નોનો હકારાત્મક અભિગમ દાખવી તેનો સત્વરે નિકાલ લાવવા રાજય સરકાર કટિબદ્ધ છે. જે માટે સ્થાનિક જન પ્રતિનિધીશ્રીઓએ જાગૃતિ દાખવી આવા કામો વહેલા પુર્ણ કરવા સરકાર સાથે સંકલનમાં રહે તે જરૂરી છે. તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં રાજ્ય સરકાર હર હંમેશા તમામ પ્રકારે મદદરૂપ થવા તૈયાર છે તેમ પ્રધાનએ ઉમેર્યું હતું.
બેઠકમાં કોણ-કોણ ઉપસ્થિત રહ્યું ?
આ બેઠકમાં સાંસદ પુનમબેન માડમ, મેયર બીના કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમ પંડયા, દંડક કેતન ગોસરાણી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રભારી જયંતિ કવાડિયા, ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, એપેક્ષ બેંકના ડાયરેકટર મુળુ બેરા, ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન પી.એસ.જાડેજા, વાઈસ ચેરમેન રાજુ વાદી, મેનેજીંગ ડિરેકટર લુણાભા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, દિલિપસિંહ ચુડાસમા, દિલિપ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, ડૉ. વિનુ ભંડેરી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.