- રિલાયન્સે વર્ષ 2020-21માં CSR પાછળ 1,140 કરોડ ખર્ચ કર્યો
- કોરોનાકાળમાં રિલાયન્સ દ્વારા માનવતાલક્ષી કામગીરી
- 81 લાખ માસ્કનું વિતરણ કર્યું હતુ
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે માર્ચ 2021ના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પાછળ 1,140 કરોડનો ખર્ચ કર્યો હતો. જેમાં કોવિડ-19 સહાય, ગ્રામીણ ક્ષેત્રે પરિવર્તનશીલ કાર્યો, શિક્ષણ, સ્વાસ્થ્ય, રમત ગમત અને આપત્તિ પ્રતિસાદ પાછળ થયેલા ખર્ચનો સમાવેશ થાય છે. કંપનીના તાજેતરમાં જારી થયેલા અહેવાલ મુજબ, રિલાયન્સે નાણાકીય વર્ષ 2019-20માં CSR પ્રવૃત્તિઓ પાછળ રૂપિયા 1,022 કરોડનો ખર્ચ કર્યો હતો.
રાતોરાત રિલાયન્સ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો
મહામારીનો મુકાબલો કરવાની ભારતની લડાઈમાં જોડાતાં રિલાયન્સે એક વર્ષ દરમિયાન સ્વાસ્થ્યસંભાળ, તબીબી-કક્ષાના પ્રવાહી ઓક્સિજન, ભોજન અને માસ્કની આપૂર્તિ કરી હતી. જામનગરના પ્લાન્ટમાં જરૂરી ફેરફાર કરીને દરરોજ 1,000 ટન ઓક્સિજન વિવિધ રાજ્યોને પહોંચાડીને એક લાખ દર્દીઓની ઓક્સિજનની દૈનિક જરૂરિયાત પૂરી કરવામાં આવી હતી.
કંપનીએ 27 લાખ લાભાર્થીઓને 5.5 કરોડ ભોજન પહોંચાડ્યા
કંપનીએ 27 લાખ લાભાર્થીઓને 5.5 કરોડ ભોજન પહોંચાડ્યા. મુંબઈમાં ભારતની પહેલી કોવિડ હોસ્પિટલ તૈયાર કરવા સાથે કોવિડના દર્દીઓની સારસંભાળ અને સારવાર માટે વિવિધ સ્થળોએ 2,300થી વધુ પથારીઓની સહાય પૂરી પાડી હતી. 21 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 લાખ જેટલા ફ્રન્ટલાઇન વોરિયર્સ અને એસેન્શિયલ સર્વિસ પ્રોવાઇડર્સને પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા 81 લાખ માસ્કનું વિતરણ કર્યું હતુ. જ્યારે દેશના 18 રાજ્યોના 249 જિલ્લાઓમાં કોવિડ-19 વિષયક સેવાઓમાં જોતરાયેલા 14,000થી વધુ એમ્બ્યુલન્સ અને વાહનોને 5.5 લાખ લીટર ઈંધણ પૂરું પાડ્યું હતુ.
આ પણ વાંચો:રિલાયન્સે લૉન્ચ કર્યું જિયો મીટ, વીડિયો કોલમાં એક સાથે 100 લોકો કરી શકશે વાત
સ્વસ્થ્ય, શિક્ષણ, રમતગમત શેત્રે કરી ઉમદા કામગીરી
અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કંપનીની ગુજરાત નજીકના સિલવાસા ખાતેની મેન્યુફેક્ચરિંગ સુવિધાની ક્ષમતા વધારીને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે દરરોજના 1,00,000 પીપીઈ કિટ્સ અને માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં પરિવર્તનશીલ કાર્યોના ક્ષેત્રે 10,000થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામીણ સ્વયંસેવકોને તાલીમ આપી 131 લાખ ક્યૂબિક મીટર જળસંચય ક્ષમતા વિકસાવી હતી. ઉપરાંત 20 રાજ્યો અને 150થી વધુ શહેરોમાં 39 કૌશલ્યવર્ધન કેન્દ્રોને સહાય કરી 8,800 બેરોજગારોને વિવિધ કૌશલ્યોની તાલીમ પૂરી પાડી હતી.
‘ગ્રીનફિલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ’ વર્ષ 2021ના શૈક્ષણિક સત્રથી કાર્યરત થશે
સ્વાસ્થય ક્ષેત્રે રિલાયન્સે મોબાઇલ મેડિકલ યુનિટ્સ (MMUs), સ્ટેટિક મેડિકલ યુનિટ્સ (SMUs) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHCs) ખાતે 2.3 લાખ હેલ્થ કન્સલ્ટેશન્સ પૂરા પાડ્યા હતા. પ્રાઇમરી, સેકન્ડરી એજ્યુકેશન ક્ષેત્રે અનેકવિધ શૈક્ષણિક પહેલને સહાય પૂરી પાડી હતી. મહારાષ્ટ્રના નવી મુંબઈ સ્થિત ઉલ્વે ખાતે જિયો ઇન્સ્ટિટ્યૂટ ‘ગ્રીનફિલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ’ની સ્થાપના કરવામાં આવી છે જે કુલ 52 એકર જમીનમાં પથરાયેલી છે અને તેમાં 3,60,000 ચોરસ ફૂટની ઇમારત પણ આવેલી છે. આ ઇન્સ્ટિટ્યૂટ વર્ષ 2021ના શૈક્ષણિક સત્રથી કાર્યરત થશે.
આ પણ વાંચો:રિલાયન્સે કરી રૂપિયા 500 કરોડની મદદ, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે પણ અલગથી કર્યુ દાન
મધ્ય પ્રદેશમાં 75 સરકારી સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવી
આ સંસ્થા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યૂટર સાયન્સમાં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ્સની શરૂઆત પણ કરવામાં આવી છે. ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશનની સ્કૂલોના 763 શિક્ષકો અને 116 નોન-ટીચિંગ સ્ટાફને ટેક્નોલોજી પ્લેટફોર્મ પર 4,100 કલાકની તાલીમ પણ આપવામાં આવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં 75 સરકારી સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવી અને 221માં માસ્ટર ટ્રેઇનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. RILની પરોપકારી પહેલનું સુકાન સંભાળતા રિલાયન્સ ફાઉન્ડેશન (RF) દ્વારા ભારતના બાળકો તથા યુવાનોમાં શીખવાનું અને આગેવાની લેવાનું કૌશલ્ય વિકસાવવા માટે રમત ગમતને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ફિટનેસ ટ્રેનિંગ, ન્યૂટ્રિશન અને કોચિંગ દ્વારા રિલાયન્સની રમત ગમતની પહેલ 2.15 કરોડ યુવાનો સુધી પહોંચી છે.
સ્પોટર્સ એક્ટિવિટીને પણ આપ્યું પ્રાધાન્ય
ઓલિમ્પિક્સ અને અન્ય પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાં ભારતનું પ્રદર્શન વધુ બહેતર બને તે માટે આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન અને વેઇટલિફ્ટિંગ સહિતના 11 એથ્લેટ્સને રિલાયન્સ સહાય કરી રહ્યું છે. આપત્તિ પ્રતિસાદ (ડિઝાસ્ટર રિસ્પોન્સ) ના ક્ષેત્રે કંપનીએ અમ્ફાન, નિસર્ગ, બુરેવી અને નિવાર વાવાઝોડા દરમિયાન અધિકૃત સરકારી વિભાગો અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને વાવાઝોડા પહેલા અને પછી લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગોદાવરી પૂર પહેલા અને ત્યારબાદ 20,000થી વધુ લોકોને પાકમાં આવતા રોગોનું વ્યવસ્થાપન કરવા માટે સહાય કરી હતી.
ઉત્તરાખંડ હોનારત વખતે પણ કરી મદદ
ઉત્તરાખંડમાં આવેલા પૂર બાદ RF દ્વારા ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ સાથે મળીને 250 લોકોને ભોજન પૂરા પાડ્યા અને 150 કુટુંબોને રાશન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. પડાણા ખાતેની પશુ ચિકિત્સા હોસ્પિટલમાં 4,818 પશુઓને તબીબી સારસંભાળ પૂરી પાડી હતી. RF દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પશુધન માટે ઘાસચારો, પક્ષીઓ માટે ચણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા અને રખડતાં જાનવરોને ખોરાક પૂરો પાડવા માટે NGOsની સહાય લેવામાં આવી હતી.