- જામનગરમાં 65 લોકો સાથે ચોક્કસ વળતરના બહાને રૂ. 10 કરોડની છેતરપિંડી કરાઈ
- ઓમ ટ્રેડીંગના સંચાલકોએ શેર બજારમાં સારું વળતરના નામે લોકોના નાણા પચાવી પાડયા
- નિવૃત્ત આર્મીમેનના 33 લાખ સહિત કુલ 3.10 કરોડની છેતરપિંડી
- પોલીસની પ્રાથમિક તપાસમાં 60 થી 65 લોકો ભોગ બન્યા
- ઓમ ટ્રેડીંગના સંચાલકોએ રોકાણકારો પાસે રૂ.3,10,25,000નં રોકાણ કરાવ્યું હતું
જામનગરઃ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શેર બજારમાં નાણાંનું રોકાણ કરાવી પુષ્કળ ફાયદો અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ અગાઉ પણ બની છે. ત્યારે હાલ આવી જ એક ઘટના જામનગરના પોલીસ દફતરે નોંધાઈ છે, જેમાં જામનગર શહેરના પીએન માર્ગ પર આવેલા નિયો સ્કેવરમાં જી-39 ઓફિસમાં ઓમ ટ્રેડીંગના નામે શરૂ થયેલી પેઢીના સંચાલક અને કર્મચારીઓ દ્વારા જુદા-જુદા વ્યક્તિઓને શેર બજારમાં રોકાણ કરાવી અને ચોક્કસ વળતર અપાવવાની લાલચ આપી આશરે રૂ 10 કરોડની ઉચાપાત કરી હતી. આ પેેઢી દ્વારા જામનગરમાં એરફોર્સ–1 રોડ પર આવેલા બાલાજી પાર્કમાં રહેતા અને નિવૃત્ત આર્મીમેન રણવીર પ્રતાપસિંહને આ જ રીતે ચોકકસ વળતરના નામે લાલચ આપી સમયાંતરે રૂ. 33 લાખનું રોકાણ ઓમ ટ્રેડીંગમાં કરાવ્યું હતું અને આ નાણા પેટે શરૂઆતના દિવસોમાં વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું. આથી રોકાણકારોને સંચાલકો ઉપર વિશ્વાસ બેસી જાય.
નિવૃત્ત આર્મીમેનને ઓમ ટ્રેડીંગ તરફથી કોઈ જવાબ ન મળતા શંકા થતા પોલીસ ફરિયાદ નોંધાવી
આવી જ રીતે નિવૃત્ત આર્મીમેન સહિત જામનગરના અંદાજે 60થી 65 જેટલા રોકાણકારો પાસેથી રૂ.3,10,25,000નં રોકાણ ઓમ ટ્રેડીંગના સંચાલકોએ કરાવ્યું હતું. ત્યારબાદ આ રોકાણકારોને વળતર આપવામાં ધાંધિયા કરતા હતા. આથી નિવૃત્ત આર્મીમેન સહિતના રોકાણકારો દ્વારા ઓમ ટ્રેડીંગમાં રોકેલા નાણા પરત મેળવવા માટેના પ્રયાસો થતા ઓમ ટ્રેડીંગના હિરેન મહેન્દ્ર ધબ્બા, મહેન્દ્ર ધબ્બા, જય મહેન્દ્ર ધબ્બા, આશા હિરેન ધબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, તોસીફ બશીર શેખ અને એકાઉન્ટન્ટ સંગીતા સહિતના સાત કર્મચારીઓનો સંપર્ક ન થવાથી નાણાની ઉચાપાત થયાનું જણાતા રણવીર પ્રતાપસિંહે આ બનાવ અંગે સાત શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.