- અન્ન અને પુરવઠા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમ માડમ બેઠકમાં જોડાયા
- કલેક્ટર રવિશંકરે જિલ્લાની વર્તમાન પરિસ્થિતિનો આપ્યો ચિતાર
- રાજ્ય સરકાર દ્વારા વધુ બેડ, ઓક્સિજન વ્યવસ્થાઓનું થશે નિર્માણ
જામનગર : સંપૂર્ણ રાષ્ટ્ર અને ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે જામનગર ખાતે પણ હાલમાં વધતા કેસોને ધ્યાને લઇ કૃષિ અને વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજનો અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમ માડમ જોડાયા હતા.
જામનગરમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
આ બેઠકમાં જામનગરમાં હાલમાં દર્દીઓની સંખ્યા,વોર્ડ, બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ વગેરે સારવારલક્ષી વ્યવસ્થાઓ અંગે કલેક્ટર રવિશંકરે સંપૂર્ણ ચિતાર આપ્યો હતો. સાથે જ આગામી દિવસોમાં સરકારના સહયોગ સાથે વધુ નવા બેડ અને અન્ય વ્યવસ્થાઓના આયોજન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં સંક્રમણના વધારા સાથે આ બીજા વેવમાં યુવા દર્દીઓ અને બાળ દર્દીઓનો પણ વધારો જોવા મળ્યો છે. કોરોનાના નોડલ ડો. એસ.એસ.ચેટરજીએ કહ્યું હતું કે, સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપી સ્તરે ફેલાઈ રહ્યું છે. સાથે જ જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે જિલ્લા સિવાય મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર માટે આવી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં હોસ્પિટલ ખાતે વધુ બેડ, દવાઓ,ઓક્સિજન, નર્સ, ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ વગેરેની આવશ્યકતા રહેશે તેમ ડીન નંદિની દેસાઈએ જણાવ્યું હતું. આ તકે પ્રધાનો અને સાંસદ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ માટે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવામાં આવશે. તેમ, રાજ્યના કોઇપણ જિલ્લાના દર્દીને સારવારમાં ઉણપ નહીં રહે તેમ જણાવવામાં આવ્યું હતું.
બેઠકમાં સાંસદ અને પ્રધાનોએ કર્યા સૂચનો
સરકાર દ્વારા સંક્રમણને નાથવા ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના મંત્રને ધ્યાને લઇ કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવી જામનગર જિલ્લા સ્તરે વધુમાં વધુ લોકો રસી મેળવે તે માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યો છે. હાલ જામનગર ખાતે જી.જી.હોસ્પિટલ સાથે જ અન્ય ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે. તો આયુર્વેદ યુનિવર્સીટીમાં પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યો છે.