- બાલાચડી સૈનિક સ્કૂલની હીરક જયંતિ ઉજવણી
- શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રહ્યાં હાજર
- વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું
જામનગરઃ જામનગર ખાતે આવેલી બાલાચડી સૈનિક સ્કૂલ ( Balachadi Sainik School ) દ્વારા 08 જુલાઇ 2021ના રોજ હીરક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મુખ્ય અતિથિ તરીકે આ પ્રસંગને શોભાવ્યો હતો જ્યારે સાંસદપૂનમબેન માડમ, 31 ઇન્ફેન્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સિદ્ધાર્થ ચંદ્ર, જામનગરના કલેક્ટર ડૉ. સૌરભ પારધી IAS, ઓલ્ડ બોય્સ ઓફ સૈનિક સ્કૂલ એસોસિએશન (OBSSA)ના વાઇસ પ્રેસિડેન્ટ કર્નલ હરેશ લિંબાચિયા અને ડૉ. ભરતસિંહ ગઢવી માનવંતા મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ ખુલ્લી મૂકાઈ
Balachadi Sainik School માં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આગમન વખતે, શહીદોના સ્મૃતિ સ્મારક શૌર્ય સ્તંભ ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો. ત્યારબાદ નવી બાંધવામાં આવેલી છોકરાઓની હોસ્ટેલ 'સરદાર પટેલ હાઉસ'નું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે નવીનીકરણ કરવામાં આવેલી છોકરીઓની હોસ્ટેલ 'અહલ્યાબાઇ હાઉસ'નું લોકસભાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાના દિગ્ગજોના પેઇન્ટિંગ્ઝનું અનાવરણ
Balachadi Sainik School હીરક જયંતિના પ્રારંભિક પ્રસંગે શાળાના ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક પ્રેઝન્ટેશન હાથ ધરવામાં આવ્યું હતું જેનો આરંભ બાલાચડી સૈનિક સ્કૂલના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દર સિંહના આવકાર પ્રવચન સાથે થયો હતો. આવકાર સંબોધનમાં આચાર્યએ શાળાની 60 વર્ષની કીર્તિપૂર્ણ સફર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્કૂલના આદ્યસ્થાપકો, પૂર્વ વહીવટકર્તાઓ અને સ્ટાફે સ્કૂલના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરીને તેમને અંજલિ પાઠવી હતી. તેમણે સંરક્ષણ મંત્રાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવા બદલ રાજ્ય પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી. આનાથી સ્કૂલમાં વિશ્વ કક્ષાના ધોરણો લાવીને એકંદરે સ્કૂલનો વિકાસ કરવામાં મદદ મળી રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેડેટ ક્રિશ્ના વાઢેરે સરસ્વતી વંદના પર સૌને મંત્રમુગ્ધ કરી દેનારું નૃત્ય રજૂ કર્યું હતું અને ત્યારબાદ સ્કૂલના શિક્ષકો અને કેડેટ્સે પ્રેરણાદાયક ગીતો ગાયા હતાં. આ પ્રસંગે, ફિલ્ડ માર્શલ સેમ માણેકશૉ, ફિલ્ડ માર્શલ કે.એમ. કરિપ્પા અને ભારતીય વાયુસેનાના માર્શલ અર્જૂનસિંહના પેઇન્ટિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું.