જામનગરઃ શહેરમાં હાલ બે સ્મશાન છે અને બન્ને સ્મશાનોનું ખાનગી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. શહેરની વસ્તીમાં વધારો થયો છે અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અંતિમ ક્રિયાની વ્યવસ્થા થઈ શકે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષના બજેટમાં વધુ એક સ્મશાન બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સ્મશાનને લગતું સ્થાન, જગ્યા ફાળવવા સહિતની કાર્યવાહી થઇ નથી. ત્યારે શહેરમાં ત્રીજુ એક સ્મશાન બનાવવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
જામનગરમાં વધુ એક સ્મશાન બનાવવાની માંગ સાથે કોંગી કોર્પોરેટરોનું ઉપવાસ આંદોલન શરૂ - Fasting movement by Congress
જામનગર શહેરમાં વધુ એક સ્મશાન બનાવવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં રોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે શહેરમાં ફક્ત બે જ સ્મશાન હોવાથી અંતિમ ક્રિયા માટે લાંબી લાઈનો લાગી રહી છે. જનરલ બોર્ડમાં ત્રીજા સ્મશાનની મંજૂરી મળી હોવા છતાં પણ સ્મશાન બનાવવાની કામગીરી શરૂ કરાઇ નથી. જેને લઇ કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
વિરોધ પક્ષના કોર્પોરેટર દેવશી આહીરે આ બાબતે કમિશ્નરને પત્ર લખીને શહેરમાં તાત્કાલિક ત્રીજું સ્મશાન બનાવવા માટેની માંગણી કરી હતી. જો પોતાની માંગણી નહીં સંતોષાઇ તો 16 તારીખથી ત્રણ દિવસ માટે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થતાં બુધવારે કોર્પોરેટર દેવશી આહીર ઉપરાંત યુસુફ ખફી સહિતના અન્ય કોર્પોરેટરો તેમજ કાર્યકરો લાલ બંગલામાં ઉપવાસી છાવણી નાખીને ધરણા પર બેસી ગયા છે. તેઓ દ્વારા ત્રણ દિવસના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં નજીકના ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અથવા તો તે અંગેની કોઇ પ્રક્રિયા શરૂ નહીં કરાય તો વધુ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.