ગાંધીધામમાં યોજાયેલી સુઝાન્સ ટી-20 વુમન્સ કપમાં જામનગરના નવાનગર ક્રિકેટ એકેડમીની મહિલા ક્રિકેટ ટીમ ચૅમ્પિયન બની છે. ગાંધીધામના DPS/ ઈફકો ગ્રાઉન્ડ ખાતે 17 ડીસેમ્બરથી 19 ડીસેમ્બર ત્રણ દિવસમાં ચાર ટીમ વચ્ચે કુલ 5 મૅચ યોજાઇ હતી. જેમાં તમામ મૅચમાં જામનગરની ટીમ વિજય બની છે. આ ટુર્નામેન્ટમાં મુંબઈ, ગાંધીધામ, ભુજ અને જામનગરની ટીમ વચ્ચે ક્રિકેટનો મુકાબલો થયો હતો. જેમાં ફાઈનલમાં ગાંધીધામની ટીમને હરાવીને જામનગરની મહિલા ક્રિકેટ ટીમ ચૅમ્પિયન બની છે.
પ્રથમ દાવમાં જામગરનની ટીમે 5 વિકેટના નુકસાને 20 ઓવરમાં 96 રન કર્યા હતા. જેનો પીછો કરનારી ગાંધીધામની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી માત્ર 89 રન બનાવી શકી હતી. ગાંધીધામ સુઝાન્સ ટી-20 વુમન્સ કપ 2019માં બેસ્ટ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ તેમજ પ્લેયર ઓફ ધ મૅચ તરીકે જામનગર ક્રિકેટ ટીમના કૅપ્ટન નેહા ચાવડાની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે રીના સવાસડીયાની પસંદગી કરવામાં આવી હતી.