- જામનગરના નવા બંદર પર 2 નંબરનું સિગ્નલ
- 2 NDRFની ટીમ તૈનાત
- દરિયા કિનારાના 22 ગામ કરાયા એલર્ટ
- 140થી 150ની ઝડપે પવન ફૂંકાઈ શકે
જામનગર: તૌકતે વાવાઝોડાની જિલ્લામાં થનારી સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે તૈયારીઓ આરંભાઈ છે. જિલ્લામાં તૌકતે વાવાઝોડાની આગાહી સંદર્ભે માહિતી આપતા જિલ્લા કલેક્ટરશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, આ વાવાઝોડું આગાહી અનુસાર 16થી ગુજરાતમાં પ્રવેશ કરશે તથા 17 મે અને 18 મે વચ્ચે જામનગર જિલ્લામાં પ્રવેશ કરશે. ત્યારબાદ જામનગરથી કચ્છ તરફ ફંટાઈ જશે.
જામનગરના નવા બંદર પર 2 નંબરનું સિગ્નલ આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા સામે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ: પ્રદીપસિંહ જાડેજા
વાવાઝોડાંની સાથે વરસાદ થવાની પણ શક્યતા
જિલ્લા કલેક્ટર રવિશંકરે વાવાઝોડાં દરમિયાન જિલ્લામાં જાનમાલની કોઈ નુકસાની ન થાય તેમજ લોકો સુરક્ષિત રહે તે માટે લોકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, લોકો તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા જે કંઈ પણ સુચનાઓ આપવામાં આવે તેનું પાલન કરે. સાગરખેડુ મિત્રો હાલ દરિયામાં ન જાય તેમજ જે સાગરખેડુ ભાઈઓ દરિયામાં ગયા છે, તેઓ સત્વરે પરત ફરે, વાવાઝોડા દરમિયાન વાયુનો તીવ્રથી અતિતીવ્ર વેગ રહેશે. તેમજ સાથે-સાથે વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે. આથી ખેડૂતો તથા જિલ્લાની તમામ APMC ખુલ્લામાં રહેલા પાક જણસ સુરક્ષિત સ્થળે રાખવાની વ્યવસ્થા કરે તેમજ સ્થળાંતરની શક્યતાઓ છે.
મીઠાના અગરમાં કામ કરતા લોકો સુરક્ષિત સ્થળે ખસી જાય
નીચાણવાળા વિસ્તારોના 22 ગામો તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વહીવટીતંત્ર તથા પોલીસની ટીમો તેમને જરૂર જણાયે સુરક્ષિત સ્થળે ખસેડશે. આ કાર્યવાહી દરમિયાન લોકો તંત્રને પોતાનો યોગ્ય સહયોગ આપે તે ઈચ્છનીય છે. મીઠાના અગરમાં કામ કરતા લોકો સુરક્ષિત સ્થળે ખસી જાય. જે લોકોની આસપાસમાં જર્જરિત મકાન અથવા હોર્ડિંગ હોય તો તે દૂર કરવા સ્થાનિક પ્રશાસનને જાણ કરે. લોકો મીણબત્તી, બાકસ, ટોર્ચ તથા જીવનનિર્વાહની પ્રાથમિક ચીજો તૈયાર રાખે. જે ઘરમાં નાના બાળકો, સગર્ભા બહેનો તથા વૃદ્ધો છે તેઓ સુરક્ષિત સ્થળે રહી ડોક્ટરના સંપર્કમાં રહે. લોકોને જાનમાલનું નુકસાન અટકાવવા 17 મેથી વાવાઝોડાની અસર ઓછી ન થાય ત્યાં સુધી ઘરમાં જ રહેવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો તેમજ મીડિયા મારફતે પ્રસારિત થતાં સમાચારો પર નજર રાખવા જણાવ્યું હતું.
આ પણ વાંચો:વાવાઝોડા પહેલાં શું કરવું અને શું ન કરવું...
તંત્ર દ્વારા 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલો છે
જામનગર મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલે જિલ્લા વહીવટીતંત્ર તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડાંની અસરને પહોંચી વળવા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલી છે. તે અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલો છે. બચાવ અને રાહતની સાધન-સામગ્રી સાથે વોર્ડ વાઇઝ તાંત્રિક ટીમોનું ગઠન કરવામાં આવેલું છે. ફાયર ટીમોને એલર્ટ કરવામાં આવેલી છે. ભયજનક મકાનો ધરાવતા લોકોને સલામત સ્થળે ખસી જવા વ્યક્તિગત નોટિસ આપવામાં આવી છે. વરસાદ દરમિયાન વધુ પાણી ભરાવાની શક્યતા છે. તેવા વિસ્તારના લોકો માટે શાળાઓ તથા આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વાવાઝોડાં દરમિયાન જો લાંબાગાળા માટે વીજ પ્રવાહ ખોરવાય તો કોવિડ હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલોને વીજપ્રવાહની વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે.