- રાજ્યમાં 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં થયો છે ઉત્તરોત્તર વધારો
- હાલમાં રાજ્યમાં કુલ 694 સિંહો કરી રહ્યા છે વસવાટ
- વિશ્વ સિંહ દિવસ નિમિત્તે કરાઈ ઓનલાઈન ઉજવણી
ગાંધીનગર: ગુજરાત માટે એશિયાટીક સિંહો (Asiatic Lions) એ અનોખી ભેટ છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકાર, વિવિધ સામાજિક સંસ્થાઓ અને સ્થાનિકોના સહયોગથી સિંહોના સંવર્ધન અને જતન માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે રાજ્યમાં છેલ્લા 5 વર્ષોમાં સિંહોની સંખ્યા 29 ટકા વધીને 694 પર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આજે મંગળવારે વનવિભાગ દ્વારા યોજાયેલી ઓનલાઈન ઉજવણી કાર્યક્રમમાં આગામી દિવસોમાં સિંહોના સંવર્ધન માટેની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ડાલામથ્થાને સાચવવું 'ગાંડી ગીરનું ગૌરવ'
સૌરાષ્ટ્રના લોકો સાથે હળીમળી ગયા છે સિંહો
વિશ્વ સિંહ દિવસ (World Lion Day 2021) ની ઓનલાઈન ઉજવણીમાં હાજર રહેલા મુખ્યપ્રધાન રુપાણીએ રાજ્યમાં વધી રહેલી સિંહોની સંખ્યાને લઈને જણાવ્યું હતું કે, આ વૃદ્ધિ સૂચવે છે કે, સૌરાષ્ટ્રમાં માનવ વસતી સાથે સિંહોનો ઉછેર, જનજીવનમાં સ્વીકૃતિ એ હવે સામાન્ય થઈ ગઈ છે. જેનો અર્થ થાય છે કે, સિંહો સૌરાષ્ટ્રના લોકો સાથે હળીમળી ગયા છે. સિંહોના વિસ્તરણ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગીરના જંગલોમાં વસતા સિંહો હવે ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર સુધી આગળ વધ્યા છે. હાલમાં રાજ્યમાં 30 હજાર કિલોમીટર વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય જોવા મળે છે.