ગાંધીનગરઃ રાજ્યની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા 13 હજાર વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. અગાઉની કામગીરીના નાણાં સહિતના પ્રશ્નનું નિરાકરણ નહી લાવવામાં આવતા આજથી એટલે કે ગુરૂવારથી તમામ કર્મચારીઓ હડતાળ પાડશે, જેને લઇને ગુરૂવારથી શરૂ થતી કૃષિ સહાય અને મગફળી રજીસ્ટ્રેશનની કામગીરી ખોરંભે પડશે.
રાજ્યમાં વર્ષ 2006થી VCE તરીકે કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. પરંતુ તેમને મહેનતાણું આપવામાં આવતું નથી. માત્ર નકલ દીઠ કમીશન આપવામાં આવે છે. તેની સાથે જ આ કર્મચારીઓ પાસે અન્ય કામગીરી પણ કરાવવામાં આવે છે. પરંતુ તેનું કોઈ મહેનતાણું આપવામાં આવતું નથી. જેને લઇને છેલ્લા કેટલાય સમયથી વીસીઇ મંડળ દ્વારા જિલ્લા લેવલે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવતી હતી. પરંતુ અધિકારીઓ આ કર્મચારીઓની માંગણી સામે આંખ આડા કાન કરી રહ્યા હતા. જેથી હવે વીસીઇ મંડળ દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.