વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રોજગારી મુદ્દે અનેક સવાલો કરવામાં આવ્યાં હતાં. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સમયસર ભરતી થઈ રહી છે. જીપીએસસી દ્વારા ભરતી કરવામાં આવી રહી છે. જ્યારે પરેશ ધાનાણી અને નીતિન પટેલ પણ આ મુદ્દે સામસામે આવી ગયા હતાં.
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં આજે બેરોજગારી બાબતે પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતાં. પ્રશ્નોતરીમાં રાજ્યમાં મામલતદાર સંવર્ગની 51 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજ્ય સરકાર આગામી સમયમાં વહીવટી અનુકૂળતા હશે ત્યારે ભરતી કરશે તેવી પણ લેખિતમાં જાણ કરી હતી. ધારાસભ્ય સી. જે. ચાવડાના સવાલનો સરકારે જવાબ આપ્યો હતો કે છેલ્લાં 1 વર્ષ કરતાં વધુ સમયથી 22 જગ્યા ખાલી પડી છે અને 31-12-20ની સ્થિતિએ વયનિવૃત્તિને કારણે ખાલી પડેલી જગ્યાઓ સરકાર અનુકૂળતાએ ભરશે.
કયા શહેરોમાં બેરોજગારી વધારે
રાજ્યના 8 શહેરી વિસ્તારમાં કુલ 55,272 બેરોજગાર નોંધાયા
સૌથી વધુ 12,106 બેરોજગાર સાક્ષરનગરી નડિયાદમાં નોંધાયાં
રાજયમાં ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તેવો રાજ્ય સરકારનો હુકમ છે. તેમ છતાં પણ સ્થાનિક લોકોને રોજગારી મળતી ન હોવાનું રાજ્ય સરકારે પ્રશ્નોતરીમાં કબૂલ્યું હતું. રાજ્ય સરકારના નિયમ પ્રમાણે 85 ટકા લોકોને સ્થાનિક રોજગારી આપવાની હોય છે. અનેક ઉદ્યોગોમાં 85 ટકા સ્થાનિકોને રોજગારીનો નિયમ જળવાતો ન હોવાનું પણ વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવ્યું છે. જેમાં અમુક પ્રકારના ટેકનિકલ અને અનુભવના આધારે રોજગારી મેળવી ન શકતાં હોવાના કારણ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યાં છે. જ્યારે સ્થાનિક ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરી સ્થાનિક ઉમેદવારોને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે તેવું પ્રશ્નોતરીમાં જણાવવામાં આવ્યું છે.
બેરોજગારી મુદ્દે વિપક્ષની ટકોર
બેરોજગારી મુદ્દે વિધાનસભાગૃહ ગાજ્યું હતું. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો હતો કે માત્ર ગૃહમાં રોજગારીની વાતો કર્યે બેરોજગારી ન હટે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે પરેશભાઈ ચોળીને ચીકણું કરે છે. લગ્ન કરી આપનાર સંસ્થા માત્ર ભેગાં કરી આપે નિભાવવાનું વર અને કન્યા પર હોય છે. આમ સરકાર માત્ર રોજગારી મેળવી આપે, નોકરી ન ટકાવી આપે તેવું નિવેદન નીતિન પટેલે કર્યું હતું.