- ખાનગી ચેનલના માલિકની ધરપકડ કરાઈ
- સાત જેટલા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ હતા
- લેન્ડ ગ્રેબિંગ કમિટીએ ગુનો દાખલ કરવા મંજૂરી આપી
ગાંધીનગર: સરગાસણમાં ચૈતન્ય બાબુલાલ પટેલે ઓફિસ ભાડા કરાર ઉપર વિજયસિંહને આપી હતી. જેઓ ખાનગી ચેનલ ચલાવતા હતા. વિજયસિંહે ભાડા કરાર તેમની પત્નીના નામથી કરાવ્યો હતો. ભાડા કરારનો સમય પૂરો થઈ જતા, કરાર રીન્યુ કરવામાં આવ્યો નહતો અને ત્યારબાદ ભાડા પેટેની રકમ પણ ચૈતન્યભાઈને આપવાનું બંધ કરી દીધું હતું. તેમની ન્યુઝ ચેનલનું લાયસન્સ પણ રદ્દ થઇ ગયું હતું અને ગેરકાયદેસર ઓફિસનો કબ્જો કરી ઓફિસ પચાવી પાડી હતી. જેથી ચૈતન્યભાઈએ ફરિયાદ કરી હતી અને લેન્ડ ગ્રેબિંગ કમિટીએ ગુનો દાખલ કરવા ગાંધીનગર પોલીસને મંજૂરી આપી હતી.
નાસતા ફરતા વિજયસિંહની સૌરાષ્ટ્રમાંથી ધરપકડ કરાઈ
ડીવાયએસપી એમ કે રાણા અને તેમની ટીમે ફરિયાદના આધારે તેમના પત્ની વીણાબહેન ટાંકની અટકાયત કરી હતી. વિજયસિંહ નાસતો ફરતો હતો જેને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ICBની ટેકનિકલ ટીમને વિજયસિંહ રાજકોટમાં હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ તેની શોધખોળ કરવામાં આવી હતી અંતે પોલીસને વિજયસિંહ સાસણ ભોજદે ગામે હોવાનું જાણવા મળતા તેની ત્યાંથી અટકાયત કરવામાં આવી હતી.